મુંબઈ: ટ્રાયલ માટે વનવે કરતાં કાલિના રોડ પર ભયંકર ટ્રાફિક જૅમ

28 November, 2019 11:04 AM IST  |  Mumbai | Anurag Kamble

મુંબઈ: ટ્રાયલ માટે વનવે કરતાં કાલિના રોડ પર ભયંકર ટ્રાફિક જૅમ

ટ્રાફિક

ટ્રાફિક ડિપાર્ટમેન્ટે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને કાલિના યુનિવર્સિટીની બાજુમાંથી નીકળી સીએસટી રોડને જોડતા હંસ ભુગરા માર્ગને વનવે કરી શકાય કે નહીં એ જાણવા ગઈ કાલ બપોરથી સાંજના પાંચ વાગ્યા સુધી વનવે કરીને ટ્રાયલ લીધી હતી, પણ એનો ફિયાસ્કો થયો હતો. સીએસટી રોડ છેક કુર્લા એલબીએસ માર્ગ સિગ્નલ સુધી અને કાલિના મિલિટરી કૅમ્પ અને નેહરુ રોડ વાકોલા સિગ્નલ સુધી ભયંકર ટ્રાફિક જૅમ સર્જાયો હતો અને અનેક વાહનચાલકોને હાડમારીનો ભોગ બનવું પડ્યું હતું.

મૂળમાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટે આ પાંચમી વખત ટ્રાયલ લીધી હતી. રાજ્યમાં સરકાર રચવાના પ્રયાસમાં હાલમાં જ કેટલાક વિધાનસભ્યોને હંસ ભુગરા માર્ગ પાસે જ આવેલી ગ્રૅન્ડ હયાત હોટેલમાં રાખવામાં આવ્યા હતા. એથી એ દિવસો દરમ્યાન વીઆઇપીઓનો વાહનોનો ટ્રાફિક ત્યાં બહુ જ વધી ગયો હતો, પણ હવે એ વિધાનસભ્યોને અન્ય હોટેલમાં શિફ્ટ કરાતાં ટ્રાફિક પોલીસે ગઈ કાલે એ ટ્રાયલ હાથમાં લીધી હતી. વેસ્ટર્ન એક્સપ્રેસથી સીએસટી વાહનો જવા દેવાતાં હતાં, પણ વિરુદ્ધ દિશામાં સીએસટી રોડથી વેસ્ટર્ન એક્સપ્રેસનો ટ્રાફિક મિલિટરી કૅમ્પ અને નેહરુ રોડ પર વાળવામાં આવ્યો હતો જેના કારણે ભયંકર ટ્રાફિક જૅમ થયો હતો. ટ્રાફિક પોલીસે કેટલીક જગ્યાએ સૂચના આપતાં બોર્ડ મૂક્યાં હતાં કે બ્લૉક રહેશે, પણ એની જાણ ભાગ્યે જ કોઈ વાહનચાલકને હતી. આમ ટ્રાફિક જૅમની સમસ્યા સુધરવાના બદલે વધુ વકરી હતી અને ટ્રાફિક પોલીસનો ફિયાસ્કો થયો હતો.

અચાનક જ હાથ ધરાયેલી ટ્રાયલથી વાહનચાલકોમાં રોષ

પોલીસ દ્વારા અચાનક જ લેવાયેલા આ પગલાના કારણે વાહનચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વાકોલા પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ કૈલાશચંદ્ર આવ્હાડે કહ્યું હતું કે ટ્રાફિક પોલીસની આ પાંચમી ટ્રાયલ હતી જેના કારણે બહુ જ ટ્રાફિક જૅમ સર્જાયો હતો. જોકે ટ્રાફિક પોલીસે આ બાબતે કોઈ આગોતરી જાણ કરી હતી કે નહીં એ વિશે ટ્રાફિક પોલીસ વાકોલાના સિનિયર પીઆઇ પ્રમોદ તાંબેનો સંપર્ક કરવા કહ્યું હતું. ‘મિડ-ડે’એ તેમને ફોન કરી હકીકત જાણવાની કોશિશ કરી હતી, પણ મોડી રાત સુધી તેઓ ફોન રિસિવ નહોતા કરી રહ્યા. એ ઉપરાતં મેસેજનો પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.

vakola mumbai news mumbai traffic kalina santacruz anurag kamble