બીજેપીના વિરોધ-વૉકઆઉટ વચ્ચે 169-0

01 December, 2019 01:24 PM IST  |  Mumbai

બીજેપીના વિરોધ-વૉકઆઉટ વચ્ચે 169-0

વિશ્વાસ મતમાં વિજયી થયા બાદ ખુશખુશાલ વિધાનસભ્યો. તસવીર : પી.ટી.આઇ.

મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમ્યાન પોતાનો બહુમત સાબિત કરી દીધો છે. નવી રચાયેલી ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની મહા વિકાસ આઘાડી સરકારની તરફેણમાં ૧૬૯ ધારાસભ્યોએ મત આપ્યા હતા. કુલ ૨૮૮ ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતા ગૃહમાં ૧૬૯ ધારાસભ્યોએ તરફેણમાં મત આપતાં બહુમત પુરવાર થઈ ગયો હતો, જ્યારે ચાર ધારાસભ્યોએ કોઈને પણ મત આપ્યો ન હતો. તટસ્થ રહેલા ધારાસભ્યોમાંથી એક રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના ધારાસભ્ય રાજુ પાટીલનો પણ સમાવેશ થાય છે. 

તટસ્થ રહેલા ધારાસભ્યોમાં એમએનએસના એક, ઓવૈસીની પાર્ટી (એમઆઇએમ)ના બે અને સીપીઆઇએમના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે કે જેમણે કોઈ પણ પાર્ટીને પોતાનો મત નથી આપ્યો. બીજેપીના સભ્યોએ વૉકઆઉટ કર્યું હતું જેને પગલે સરકાર વિરુદ્ધ એક પણ મત પડ્યો ન હતો.

કૉન્ગ્રેસના નેતા અશોક ચવાણે વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરે સરકારના વિશ્વાસનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ પ્રસ્તાવ માટે એનસીપીના નવાબ મલિક અને શિવસેનાના સુનીલ પ્રભુએ મંજૂરી આપી હતી. પ્રોટેમ સ્પીકર દિલીપ પાટીલે ગૃહની કાર્યવાહી શરૂ કરી હતી અને વિશ્વાસ મત પૂર્વે તમામ ધારાસભ્યોનો મત જાણવામાં આવ્યો હતો અને તેમની માથાદીઠ સંખ્યા ગણવામાં આવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકારને બહુમત પુરવાર કરવા માટે ૧૪૫ ધારાસભ્યોના મતની જરૂર હતી જેની સામે મહા વિકાસ આઘાડી સરકારની તરફેણમાં ૧૬૯ મત પડ્યા હતા જેને પગલે જરૂર કરતાં વધુ બહુમત હોવાનું પુરવાર થયું હતું.

દરમ્યાન બીજેપીના ધારાસભ્યોએ સત્રને નિયમ મુજબ નહીં બોલાવવાના મુદ્દે વૉકઆઉટ કર્યો હતો. બીજેપીના ધારાસભ્યોએ ‘દાદાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી’ના સૂત્રો પોકાર્યા હતા અને ગૃહની બહાર ચાલ્યા ગયા હતા. ગૃહમાંથી બહાર આવીને દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ ખોટી રીતે કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનોએ જે શપથ લીધી છે એ ખોટા છે. કોઈએ સોનિયા ગાંધી તો કોઈએ બાળાસાહેબ ઠાકરેના નામ પર શપથ લીધા હતા જે ખોટું છે.

mumbai mumbai news uddhav thackeray bharatiya janata party