માર્વે બીચમાં ડૂબતા યુવાનને બચાવવા માટે કૂદકો મારનાર ગુજરાતીનું મોત

05 November, 2019 08:25 AM IST  |  Mumbai

માર્વે બીચમાં ડૂબતા યુવાનને બચાવવા માટે કૂદકો મારનાર ગુજરાતીનું મોત

પ્રતીકાત્મક તસવીર

રવિવારે છઠપૂજાના કાર્યક્રમમાં પરિવાર સાથે હાજરી આપવા આવેલો ૧૦ વર્ષનો કિશોર પગ લપસવાને કારણે ડૂબી ગયો હતો. કિશોરને બચાવવા ગયેલો ૧૯ વર્ષનો ગુજરાતી યુવક પણ ડૂબી ગયો હતો. સમુદ્રમાં તણાઈ ગયેલા કિશોરનો મૃતદેહ તો રવિવારે રાતે મળી આવ્યો, પણ ડૂબી ગયેલા ગુજરાતી યુવકનો મૃતદેહ પોલીસને ગઈ કાલે સાંપડ્યો હતો.

મલાડ-ઈસ્ટના ગોવિંદ નગરમાં રહેતો કિશોર અજય ચૌહાણ તેના પરિવાર સાથે માર્વે રોડ પર છઠપૂજામાં હાજરી આપવા માટે આવ્યો હતો. આ જ કાર્યક્રમમાં પઠાણવાડી વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષનો મુકુલ શાહ પણ તેના પરિવાર સાથે આવ્યો હતો. અચાનક જ અજય સમુદ્રમાં ડૂબી રહ્યો હોવાનું મુકુલના ધ્યાનમાં આવતાં તેને બચાવવા માટે તેણે પણ ઝંપલાવ્યું હતું. માર્વેમાં ડૂબી ગયેલા બન્ને છોકરાને બચાવવા માટે ફાયર બ્રિગેડ અને નેવી તેમ જ માર્વે બીચ પર તહેનાત પાલિકાના લાઇફગાર્ડોએ શોધખોળ શરૂ કરી હતી.

માલવણી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જગદેવ કાલપાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે મોડી સાંજે માર્વે બીચ પર ડૂબી ગયેલા અજય અને તેને બચાવવા માટે ઝંપલાવનાર મુકુલની શોધખોળ કરવા પોલીસ, ફાયર બ્રિગેડ અને નેવીની ટીમે ભારે જહેમત કરી હતી. મોડી રાતે અજયનો મૃતદેહ મળી આવ્યો હતો, પણ મુકુલની શોધ થઈ શકી નહોતી. સોમવારે સાંજે મુકુલનો મૃતદેહ આઇએનએસ હમલા નજીકથી મળી આવ્યો હતો. અમે આ પ્રકરણમાં અકસ્માતથી મૃત્યુ થયું હોવાનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.’

malad mumbai news