ટીબીઝેડની સ્પષ્ટતા, એ અમારી કંપની નથી

21 December, 2019 09:07 AM IST  |  Mumbai

ટીબીઝેડની સ્પષ્ટતા, એ અમારી કંપની નથી

પ્રતીકાત્મક તસવીર

ત્ર‌િભોવનદાસ ભીમજી ઝવેરી ઍન્ડ સન્સ રીટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કૉર્પોરેટ ઇન્સૉલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ (સીઆઇઆરપી) શરૂ કરવાના નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલના આદેશ હેઠળ કંપનીએ નાદારી નોંધાવવાની અરજી કરી છે. કંપનીના લેણદારોને તેમના દાવા સાબિતી સાથે ૨૦૨૦ની ૩ જાન્યુઆરી સુધીમાં ઇન્ટરિમ રેઝોલ્યુશન પ્રોફેશનલને સુપરત કરવાની સૂચના આપવામાં આવી છે. રેઝોલ્યુશન પ્રોસેસ ૨૦૨૦ની ૧૨ જૂન સુધીમાં પૂરો થવાની શક્યતા દર્શાવાઈ છે.

એક એક્સચેન્જ ફાઇલિંગના માધ્યમથી સ્પષ્ટતા કરતાં ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી લિમિટેડ કંપનીએ જણાવ્યું છે કે તેમને ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી ઍન્ડ સન્સ રીટેલ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે કોઈ સંબંધ નથી. એક્સચેન્જ દ્વારા કરેલી સ્પષ્ટતામાં કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે ‘પબ્લિક નોટિસ પ્રમાણે નાદારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરનારી કંપનીમાં અમારા કોઈ પ્રમોટર્સ કે મૅનેજમેન્ટના શૅર કે કન્ટ્રોલ નથી. ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી ઍન્ડ સન્સ રીટેલ પ્રાઇવેટ લિમિટેડ જુદી કંપની છે અને એ કંપની ગ્રુપ-વન બ્રૅન્ડ ટીબીઝેડ-ઓરિજિનલ શ્રીકાંત ઝવેરી ગ્રુપનો હિસ્સો નથી.’

આ પણ વાંચો : બેનેટ રિબેલો હત્યાકેસમાં ટ્વિસ્ટ: બૅગમાં મળેલા બૉડીના પાર્ટ બે અલગ-અલગ વ્યક્તિના?

નોટિસ બાબતે સ્પષ્ટતા

મુલુંડ-વેસ્ટના એલબીએસ માર્ગ પર આવેલા નિર્મલ લાઇફ સ્ટાઇલ મૉલમાં આવેલી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી ઍન્ડ સન્સ રીટેલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અમિત ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક પાર્ટીએ રિકવરીનો કેસ કર્યો હતો એથી આ નોટિસ અપાઈ છે. હાલ નેગોશિયેશન ચાલી રહ્યાં છે અને ઑલમોસ્ટ પાકું થઈ ગયું છે. ટૂંક સમયમાં આ નોટિસ પાછી ખેંચી લેવાશે. આજે જ એ નોટિસ ઇશ્યુ થઈ છે. હકીકતમાં એ નોટિસ પાછી ખેંચવાની હતી, પણ પ્રોસીજર મુજબ એ હવે પાછી ખેંચાશે. આ એક પ્રોસીજરલ ઇશ્યુ છે, બાકી ગભરાવાની કોઈ વાત નથી.’

mumbai mumbai news