રેલવેના સૉફ્ટવેરને જ ભાડાવધારો ગમ્યો નહીં: સિસ્ટમ ડાઉન થઈ ગઈ

02 January, 2020 02:47 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

રેલવેના સૉફ્ટવેરને જ ભાડાવધારો ગમ્યો નહીં: સિસ્ટમ ડાઉન થઈ ગઈ

ટિકિટ

રેલવેનાં ભાડાવધારાના અનુસંધાનમાં સૉફ્ટવેર અપડેટની પ્રક્રિયા દરમ્યાન ટિકિટિંગ માટેની સિસ્ટમ ડાઉન થતાં ચર્ચગેટ સહિત અનેક સ્ટેશનો પર સમસ્યા સર્જાઈ હતી. ભાડાંવૃદ્ધિ ૩૧ મધરાતથી અમલમાં આવતી હોવાથી ઘડિયાળના કાંટા ૧૨.૦૦ વગાડવા માટે ભેગા થયા પછી થોડા વખતમાં કમ્પ્યુટર નેટવર્ક અને ઑનલાઇન કાર્યવાહી કડડભૂસ થઈ ગઈ હતી.

ભારતીય રેલવેમાં ઇન્ફર્મેશન ટેકનૉલૉજીનો પૂર્ણ અખત્યાર સંભાળતા સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં બે કલાક પહેલાં સૉફ્ટવેરની ચકાસણી કરવામાં આવી હોવા છતાં સિસ્ટમ્સમાં ફંક્શનિંગની સમસ્યા ઊભી થઈ હતી. અપડેટની પ્રક્રિયા પૂરી થયા પછી પરોઢિયે પાંચ વાગ્યે ફરી સિસ્ટમ્સ કાર્યાન્વિત થઈ હતી.

ચર્ચગેટ સ્ટેશનની સ્થિતિ વિશે મુકુંદ બોઝ નામના પ્રવાસીએ કહ્યું હતું કે ‘ન્યુ યર સેલિબ્રેશન માટે નીકળેલા ઘણા પ્રવાસીઓ ચર્ચગેટ સ્ટેશન પર હતા. ટ્રેનો આખી રાત દોડવાની હોવાથી ઉપનગર ટ્રેનોની સિંગલ અને રિટર્ન ટિકિટ્સ ખરીદનારાઓની લાંબી કતાર હતી. મારે અંધેરીની ટિકિટ ખરીદવાની હતી અને બુકિંગ કાઉન્ટર પર લોકોનો ધસારો અનિયંત્રિત બન્યો હતો. કાઉન્ટર પર બેઠેલા માણસે મને મૅન્યુઅલ ટિકિટ આપી અને પ્રવાસ તથા ભાડાસંબંધી વિગતો અલગ કાગળ પર લખી આપી.’

પશ્ચિમ રેલવેના સિનિયર કમર્શિયલ ઑફિસરે જણાવ્યું હતું કે ‘સિસ્ટમ્સ ડાઉન થવાની સમસ્યા કેટલાંક સ્ટેશનો પૂરતી મર્યાદિત હતી. એને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન-ખોટ કે અન્ય મુશ્કેલીઓ સર્જાઈ નથી. અમે કાર્યબોજને પહોંચી વળવા માટે મૅન્યુઅલ ટિકિટ સ્લિપ્સ તથા બૅક અપ ટર્મિનલ્સનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો : બાંદરા સ્કાયવૉકની જર્જરિત હાલત: સમારકામની જરૂર

ભાડાંવૃદ્ધિ ઉપનગરીય ટ્રેનોને લાગુ કરવામાં આવી ન હોવાથી મુશ્કેલીનું પ્રમાણ નહીંવત હતું અને એક પણ ટિકિટબારી બંધ રહી નથી. તમામ સ્ટેશનો પર સૉફ્ટવેર સક્રિય છે. ફક્ત જે સ્ટેશનો પર નવા ફેરફાર ઑટોમૅટિક રીતે ગોઠવાયા ન હોય એવાં સ્ટેશનો પર તકલીફ થઈ હતી. પાંચ વાગ્યા સુધીમાં દરેક સ્ટેશનો પર ફેરફાર લાગુ થઈ ચૂક્યા હતા.’

rajendra aklekar churchgate andheri mumbai railways western railway mumbai news