ટ્રૅકમૅને દુર્ઘટના ટાળી, રેલ્વે ટ્રેક ઉપર કારની આપી ચેતવણી

20 December, 2019 02:13 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

ટ્રૅકમૅને દુર્ઘટના ટાળી, રેલ્વે ટ્રેક ઉપર કારની આપી ચેતવણી

ટ્રૅક પરથી હટાવવામાં આવેલી કાર.

બુધવારની મધરાત પૂર્વે દીવા-પનવેલ રેલ કોરિડોરના દાતિવલી અને નિળજે રોડ સ્ટેશનો વચ્ચેના ભાગમાં બ્રિજ પરથી કાર પડવાની ઘટના વેળા બાઇક પરથી પસાર થતા ટ્રૅકમૅન પદ્માકર શેલારે તાત્કાલિક તેના સિનિયર્સને જાણ કરી હતી. સિનિયર અધિકારીઓએ કન્ટ્રોલ રૂમને જાણ કરતાં એકાદ કલાકમાં ટ્રૅક પરથી વાહનને હટાવાતાં મોટી દુર્ઘટના ટાળવા ઉપરાંત થ્રુ ટ્રેનો માટે વેળાસર માર્ગ મોકળો કરી શકાયો હતો. કાર પડી ત્યારે ત્યાંથી કોઈ ટ્રેન પસાર થતી નહોતી. સમયસૂચકતા દાખવનારા ટ્રૅકમૅનને ગઈ કાલે તંત્ર તરફથી ઉચિત રીતે સન્માનિત કરવામાં આવ્યું હોવાનું મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.

બુધવારે મોડી રાતે પદ્માકર ડ્યુટી પર પહોંચવા માટે બાઇક પર બ્રિજ પરથી નિળજે રોડ પાસેના વિસ્તારમાંથી પસાર થતો હતો. એ વખતે ફોર્ડ મસ્ટાંગ એસયુવી કાર બ્રિજ પરથી પડી ગઈ હતી. કારનો ડ્રાઇવર બચી ગયો હતો અને અન્ય કોઈની જાનહાનિ થઈ નહોતી. કાર જે ટ્રૅક પર પડી હતી એ ટ્રૅક ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેના ટ્રેનવ્યવહાર માટે વપરાતો હોવાથી સમયસર વાહનને ન હટાવાય તો મુશ્કેલી ઊભી થવાની શક્યતા હતી, પરંતુ એકાદ કલાકમાં કારને ટ્રૅક પરથી હટાવાતાં લાંબા અંતરની કેટલીક ટ્રેનોને રોકવામાં આવી હતી.

બ્રિજ પરથી પડેલી એસયુવી કાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એકમાત્ર વિધાનસભ્ય રાજુ પાટીલની છે. કલ્યાણનું પ્રતિનિધિત્વ કરતા રાજુ પાટીલ રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર માટે હાલ નાગપુરમાં છે. રાજુ પાટીલે જણાવ્યું હતું કે ડ્રાઇવર કારમાં ઇંધણ ભરીને પાછી લાવતો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. એ કાર કલ્યાણ આરટીઓમાં યોગિતા પાટીલને નામે નોંધાયેલી છે.

rajendra aklekar dombivli central railway mumbai news