મોટા ભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનમાં નાના ભાઈ ઠાકરે અવરોધ

03 December, 2019 12:29 PM IST  |  Mumbai

મોટા ભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનમાં નાના ભાઈ ઠાકરે અવરોધ

બુલેટ ટ્રેન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંકટોનાં વાદળોમાં ઘેરાતો હોય એવું લાગી રહ્યું છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં રચાયેલી નવી ઠાકરે સરકારે આ પ્રોજેક્ટના રિવ્યુનો આદેશ આપ્યો છે. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે રાજ્યમાં જે કામ ચાલી રહ્યું છે એ તમામ કામગીરીનો રિવ્યુ કરવામાં આવી રહ્યો છે જેમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ પણ સામેલ છે.

હાલમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની નીવ રાખી દેવામાં આવી છે જેનો મહારાષ્ટ્રનાં અનેક ગામોના લોકો વિરોધ કરી રહ્યા છે. પ્રોજેક્ટ અંતર્ગત જે ખેડૂતોની જમીન આવી રહી છે એ ખેડૂતો જમીન આપવાની ના પાડી રહ્યા છે. હવે રાજ્યમાં નવી સરકાર રચાતાં પરિસ્થિતિ બદલાઈ છે. હવે નવી સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ફરી વિચાર કરવા માગે છે. આ અંગે ઠાકરેનું કહેવું છે કે અમારી સરકાર સામાન્ય માણસની સરકાર છે, અમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો રિવ્યુ કરીશું, પણ એવું ક્યારેય કહ્યું નથી કે અમે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ રોકી દઈશું.

મહત્ત્વનું છે કે ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ સુધી એક સૌથી ઝડપી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લેવાનો છે જેમાં કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારે પણ ફન્ડિંગ કરવાનું છે. રાજ્ય સરકાર પાસે ૨૫ ટકા જેટલો હિસ્સો રહેશે. હવે મહારાષ્ટ્રમાં શિવસેના-કૉન્ગ્રેસ-એનસીપીની નવી સરકારનો દાવો છે કે હાલ રાજ્યની આર્થિક સ્થિતિ નબળી છે, ઓછામાં પૂરું હાલમાં રાજ્ય સરકાર પર પાંચ લાખ કરોડનું દેવું છે. જો રાજ્ય સરકાર વધુ ખર્ચ કરશે તો આ દેવું વધતું જશે.
તમને જણાવી દઈએ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની નીવ મોદી અને જપાનના વડા પ્રધાન શિન્જો આબેએ રાખી હતી. આમ, ભારતમાં બુલેટ ટ્રેન લાવવામાં જપાન ભારતને મદદ કરી રહ્યું છે, પંરતુ આ પ્રોજેક્ટનો મહારાષ્ટ્ર અને ગુજરાતનાં કેટલાંક ગામોમાં વિરોધ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે જોવાનું રહેશે કે મહારાષ્ટ્ર સરકાર શું નિર્ણય લે છે?

આરે કાર-શેડ પછી હવે નાણાર રિફાઇનરીના આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચાયા

આરે કાર-શેડના આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચ્યા બાદ હવે રાજ્યના નવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાણાર રિફાઇનરીના પ્રોજેક્ટનો વિરોધ કરનારા આંદોલનકારીઓ સામેના કેસ પણ પાછા ખેંચી લેવાનો આદેશ આપ્યો છે. માર્ચ ૨૦૧૮માં એ સમયના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાણાર પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન કરનારાઓ સામેનો કેસ પાછો ખેંચવાનું વચન આપ્યું હતું, પણ વચનનું પાલન નહોતું કર્યું.

મેટ્રો પ્રોજેક્ટ માટે આરે કૉલોનીમાં ઝાડ કાપવાના વિરોધમાં પર્યાવરણવાદીઓ અને શિવસેનાએ આંદોલન કર્યું હતું. નાણાર રિફાઇનરીના પ્રોજેક્ટનો વિરોધ કરતાં ૨૦૧૮માં રામેશ્વર કાટે કોલવાડી ખાતે બીજેપીના નેતાઓનાં વાહનો અટકાવવા બદલ ૩૫૦ કરતાં વધુ આંદોલનકારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. નાણાર રિફાઇનરી પ્રોજેક્ટનો લગભગ ૧૪ ગ્રામપંચાયતોએ વિરોધ કર્યો હતો. રાજાપુર તાલુકાનાં ૧૪ અને સિંધુદુર્ગ અને દેવગડ તાલુકાનાં બે ગામમાં નાણાર પ્રોજેક્ટ વિકસાવવામાં આવનાર હતો.

mumbai news uddhav thackeray aarey colony