મુંબઈ: SV રોડના 3 સ્કાયવૉક તોડી પડાશે

13 April, 2019 12:23 PM IST  |  | અરિતા સરકાર

મુંબઈ: SV રોડના 3 સ્કાયવૉક તોડી પડાશે

SV રોડ

MMRDAના તંત્રે મેટ્રો ૨B લાઇન માટે બાંદરા, સાંતાક્રુઝ અને વિલે પાર્લેના પશ્ચિમ ભાગમાં SV રોડ પરના સ્કાયવૉક તોડી પાડવાની તૈયારી કરી લીધી છે. એ ત્રણ સ્કાયવૉક તોડી પાડવા માટે BMCએ ગયા મહિને પરવાનગી પણ આપી દીધી હતી. જોકે એ ત્રણ બ્રિજ તોડી પાડ્યા પછી રાહદારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે MMRDA કે BMCમાંથી કોઈ પણ તંત્રે આયોજન કર્યું નથી.

MMRDAના અધિકારીઓએ જણાવ્યા મુજબ મેટ્રો ૨B લાઇન માટે માર્ગ મોકળો કરવા ત્રણ ઉપનગરોમાં સ્કાયવૉકના SV રોડ પરના હિસ્સાને તોડી પાડવામાં આવશે. બાંદરામાં સ્કાયવૉકનો ૫૬૩ મીટર જેટલો હિસ્સો, સાંતાક્રુઝમાં ૨૩ મીટરનો હિસ્સો અને વિલે પાર્લેમાં ૨૮.૫ મીટરનો હિસ્સો તોડવામાં આવશે. સ્કાયવૉકના ભાગોનું ડિમોલિશન ટ્રાફિક-પોલીસ અને BMCના અધિકારીઓ સાથે સમન્વયપૂર્વક પાર પાડવામાં આવશે.

MMRDA અને BMCની યોજના બાબતે સ્થાનિક રહેવાસીઓ તથા નોકરીધંધા માટે અવરજવર કરનારાઓને ભવિષ્યમાં અગવડ પડવાની ચિંતા સતાવે છે. બાંદરા ઉર્દૂ હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજના ટ્રસ્ટી ઝમીર શેખે જણાવ્યું હતું કે ‘બાંદરા રેલવે-સ્ટેશન પાસે સબવેની તાતી જરૂરિયાત છે. લકી જંક્શન સિગ્નલ પાસે ખૂબ ટ્રાફિક હોય છે. મસ્જિદમાં નમાજ પઢવા જતા ભાવિકો તેમ જ રોડ ક્રૉસ કરતા વિદ્યાર્થીઓ માટે ઘણું જોખમ હોય છે. સ્કાયવૉકના દાદર ચડવા મુશ્કેલ હોવાથી લોકો સબવે બાંધવાની માગણી કરે છે. સાંતાક્રુઝની પોદ્દાર અને લીલાવતી સ્કૂલોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ સ્કાયવૉક તોડવાથી મોટી સમસ્યા ઊભી થવાની ફરિયાદ કરે છે.’

MMRDAના પ્લાનિંગમાં ખામી દર્શાવતાં ખાર રેસિડન્ટ્સ અસોસિએશનનાં સભ્ય આનંદિની ઠાકુરે જણાવ્યું હતું કે ‘સામાન્ય રીતે મુંબઈનાં ઉપનગરોમાં પૂર્વ-પિમ વચ્ચે અવરજવર માટે સબવે વધારે ઉપયોગી હોવા છતાં સ્કાયવૉક બાંધીને કરદાતાઓનાં નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ભૂતપૂર્વ નાયબ પોલીસ-કમિશનર (ટ્રાફિક) અને એ વખતના રોડ સેફ્ટી પેટ્રોલ પી. એસ. પસરિચાએ બાંદરા તથા અન્ય પિમી ઉપનગરોમાં સબવે બાંધવાની ભલામણ કરી હતી. ખાસ કરીને બાંદરામાં નૅશનલ કૉલેજ અને લકી સિગ્નલ પાસે સબવે બાંધવાની જરૂરિયાત દર્શાવી હતી, પરંતુ MMRDAના તંત્રે ટ્રાફિક ડિપાર્ટમેન્ટની સલાહ લીધા વગર સ્કાયવૉક બાંધ્યા હતા.’

૨૦૦૭-’૦૮ના સમયગાળામાં મુંબઈમાં સ્કાયવૉક બ્રિજ બાંધવાનો કુલ ખર્ચ (અંદાજિત) ૬૦૦ કરોડ રૂપિયા

આ પણ વાંચો : જેટ ઍરવેઝની સોમવાર સુધી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ કૅન્સલ

ત્રણ સ્કાયવૉક બ્રિજના બાંધકામનો અંદાજિત ખર્ચ

બાંદરા - ૧૯ કરોડ રૂપિયા

સાંતાક્રુઝ - ૪૧ કરોડ રૂપિયા

વિલે પાર્લે - ૧૪ કરોડ રૂપિયા

bandra brihanmumbai municipal corporation santacruz vile parle mumbai news