એસી ટ્રેનો આવી તો ગઈ, પણ એને દોડાવવી કયા ટાઇમે?

04 January, 2020 08:03 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

એસી ટ્રેનો આવી તો ગઈ, પણ એને દોડાવવી કયા ટાઇમે?

AC લોકલ

મુંબઈમાં ૧૨ ડબ્બાની ઍર કન્ડિશન્ડ (એસી) ટ્રેનોના કાફલામાં પાંચ ટ્રેનો બાકી હતી એ પહોંચી ગઈ છે, પરંતુ પ્રવાસીઓએ એનો અનુભવ કરવા માટે પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે એ ટ્રેનોનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો એનો નિર્ણય હજી સુધી પશ્ચિમ રેલવેએ લીધો નથી. હાલની સર્વિસ ભરચક હોવાથી વચ્ચે નવી પાંચ ટ્રેનોનો ટાઈમટેબલમાં ઉમેરો કરવાનું કામ પશ્ચિમ રેલવે માટે મુશ્કેલ બની રહ્યું છે. પ્રવાસીઓ હાલની સર્વિસિસમાં અદલાબદલી સામે વિરોધ કરી રહ્યા હોવાથી રેલવેતંત્ર મુસાફરોનો રોષ વહોરી લેવા તૈયાર નથી. કુલ એસી છ ટ્રેન છે.

પરિસ્થિતિને સમજીને પશ્ચિમ રેલવેએ હાલની સ્થિતિની સમીક્ષા કરીને નવી ટ્રેનોનું શું કરવું એ બાબતનો નિર્ણય લેવાનું કામ મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશનને સોંપ્યું છે. પાંચ ઍર કન્ડિશન્ડ લોકલ ટ્રેનો ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (ભેલ)ની સિસ્ટમ વડે બાંધવામાં આવી છે. છઠ્ઠી નીચી સપાટી ધરાવતી ટ્રેન મેધા ઇલેક્ટ્રિકલ્સે બનાવી છે. છેલ્લી ઍર કન્ડિશન્ડ ટ્રેન ૨૦૧૯ની ૧૪ નવેમ્બરે મુંબઈ પહોંચી હતી.

રેલવે કર્મચારીઓનાં સંગઠનોના નેતાઓ કહે છે કે ‘પશ્ચિમ રેલવેમાં ફુલ ટાઇમ જનરલ મૅનેજર નહીં હોવાને કારણે નિર્ણય લેવાની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. એ ઉપરાંત ડિવિઝનલ મૅનેજરના હોદ્દા પર પણ ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે.’

પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ‘ચર્ચગેટથી દહાણુના ૧૨૦ કિલોમીટરના પટ્ટામાં પશ્ચિમ રેલવે ૧૩૬૭ સર્વિસિસ દોડાવે છે. કુલ ૧૦૧ ટ્રેનોના કાફલામાંથી ૮૯ ટ્રેનો કોઈ પણ વખતે કાર્યરત હોય છે. વળી અલાયદી સબર્બન કૉરિડોરના અભાવે પાટાની સંખ્યા પણ મર્યાદિત છે. એવા સંજોગોમાં સર્વિસિસની સંખ્યા વધારી શકાય એમ નથી, એથી ઍર કન્ડિશન્ડ ટ્રેનોનું શેડ્યુલ હાલના શેડ્યુલમાં વચ્ચે ઘુસાડવું પડે એમ છે. એવું કરવાથી રોજિંદા નિયમિત પ્રવાસીઓને તેમની નિશ્ચિત સર્વિસની ટ્રેનો મળવી મુશ્કેલ બની શકે છે. રોજિંદી ટ્રેનોની જગ્યાએ વધુ ભાડાં ધરાવતી ઍર કન્ડિશન્ડ ટ્રેનો ગોઠવાતાં સર્વસામાન્ય અનેક મુસાફરોના ટાઇમટેબલને અસર થવાની શક્યતા રહે છે.’

છ એસી ટ્રેનો ક્યારે આવી?

ટ્રેન ૧ : ૩૧ માર્ચ, ૨૦૧૬
ટ્રેન ૨ : ૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૯
ટ્રેન ૩ : ૧૭ મે, ૨૦૧૯
ટ્રેન ૪ : ૧૦ ઑગસ્ટ, ૨૦૧૯
ટ્રેન ૫ : ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૯
ટ્રેન ૬ : ૧૪ નવેમ્બર, ૨૦૧૯

mumbai trains mumbai local train western railway mumbai news rajendra aklekar