હવે શરદ પવાર રાજ્યની યાત્રા કરશે

15 September, 2019 01:39 PM IST  |  મુંબઈ

હવે શરદ પવાર રાજ્યની યાત્રા કરશે

શરદ પવાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષત્યાગની હારમાળાનો સામનો કરી રહેલા એનસીપીના પ્રમુખ શરદ પવાર ૧૭ સપ્ટેમ્બરથી શરૂ કરાઈ રહેલી રાજ્યવ્યાપી યાત્રા માટે કમર કસી રહ્યા છે.

૭૯ વર્ષના વરિષ્ઠ રાજકારણી પવાર યાત્રાના પ્રથમ તબક્કામાં સોલાપુર, ઉસ્માનાબાદ, બીડ, લાતુર, હિંગોલી, પરભણી, જાલના, ઔરંગાબાદ, અહમદનગર અને સાતારા મળીને દસ જિલ્લાઓની મુલાકાત લેવાનું પક્ષે ટ્વિટરમાં જણાવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને પક્ષના સિનિયર નેતા ઉદયનરાજે ભોસલે ગઈ કાલે બીજેપીમાં જોડાયા હતા. સાતારાના સાંસદ ભોસલેએ બીજેપીમાં જોડાવા લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ભાસ્કર જાધવ શુક્રવારે શિવસેનામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે એનસીપી આગામી વિધાનસભાની ચૂંટણીઓ કૉન્ગ્રેસ તથા કેટલાક નાના પક્ષો સાથે જોડાઈને લડી રહી છે. ૨૦૧૪માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં શરદ પવારના વડપણ હેઠળના પક્ષે કુલ ૨૮૮ બેઠકોમાંથી ૪૧ બેઠકો જીતી હતી.

આ પણ વાંચો : ચોરી છૂપી ચિકન ખાતા શ્વાનને પથ્થર ફટકારાયા

ઊલટી ગંગા : બીજેપીના નેતા એનસીપીમાં

એનસીપી અને કૉન્ગ્રેસના નેતાઓમાં શાસક પક્ષ બીજેપી-સેનામાં જોડાવાની હોડ લાગી છે ત્યારે બીજેપીના ભૂતપૂર્વ ધારાસભ્ય વિજય ઘોડમારે ગઈ કાલે શરદ પવારના પક્ષ એનસીપીમાં જોડાયા હતા. નાગપુર જિલ્લામાં હિંગાના બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ઘોડમારે મુંબઈમાં પવારના નિવાસસ્થાને વિધિવત્ રીતે પક્ષમાં જોડાયા હોવાનું પક્ષના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. ઘોડમારેએ જણાવ્યું હતું કે તેઓ પક્ષના વડા ઇચ્છે એ મુજબ કામ કરવા માટે તૈયાર છે.

mumbai news sharad pawar