આરે છે દીપડાઓનું રહેઠાણ

30 December, 2019 01:58 PM IST  |  Mumbai | Ranjeet Jadhav

આરે છે દીપડાઓનું રહેઠાણ

સ્થાનિક લોકોએ લીધેલા દીપડાના બચ્ચાનો ફોટો.

આરે જંગલ છે કે નહીં એ મુદ્દો હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. નિષ્ણાત સમિતિએ આરેમાં કાર-ડેપો સાઇટની મુલાકાત લીધી એના એક અઠવાડિયામાં જ અવારનવાર આરેની મુલાકાત લેનારા શહેરના પ્રકૃતિપ્રેમીઓએ આ વિસ્તારમાં દીપડાનો વિડિયો લીધો છે જેનાથી એ તથ્ય ફરી એક વખત ઉજાગર થયું છે કે આરે દીપડા સહિતનાં વન્ય પશુઓ માટે મહત્ત્વપૂર્ણ નિવાસસ્થાન છે. મુખ્ય પ્રધાન દ્વારા નિયુક્ત તક્નિકી સમિતિ આરે તથા અન્ય સ્થળોની મુલાકાત લઈ ચૂકી છે અને આખરી અહેવાલ સુપરત કરવા માટેની અવધિ લંબાવવા માટે એ રાજ્ય સરકારને લેખિતમાં જણાવશે.

આરેમાં રહેતા પ્રકૃતિપ્રેમી સતીશ લોટને શુક્રવારે એક નહીં, બલકે ત્રણ દીપડા–માદા અને તેનાં બે બચ્ચાં જોવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું, પરંતુ તેઓ ફક્ત એક મોટા બચ્ચાનો વિડિયો લઈ શક્યા હતા. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘શુક્રવારે હું મારા મિત્ર સાથે રાતે આશરે સાડાનવ વાગ્યે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે મેં ઝાડી નજીક ત્રણ દીપડાને ચાલતા જોયા. હું કૅમેરા અને ટૉર્ચ લાઇટ હંમેશાં મારી સાથે રાખું છું એથી સહેજ પણ સમય ગુમાવ્યા વિના મેં આ મહત્ત્વનો પુરાવો રેકૉર્ડ કરવા માટે મારી બૅગમાંથી કૅમેરા કાઢ્યો. જ્યારે મેં કૅમેરા ઑન કર્યો ત્યારે દીપડી અને તેનું એક બચ્ચું ઝાડીની પાછળના જંગલમાં જતાં રહ્યાં, પણ એક મોટું બચ્ચું ત્યાં જ ઊભું રહ્યું અને મેં તેની ગતિવિધિ રેકૉર્ડ કરી લીધી.’

દીપડી અને એનાં બે બચ્ચાંનું આ દૃશ્ય એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજીકરણ છે, કારણ કે એ તથ્ય પણ ઉજાગર કરે છે કે આરે મિલ્ક કૉલોની એવો સમૃદ્ધ વન્યવિસ્તાર છે જેને દીપડી આના બચ્ચાને જન્મ આપવા માટે પસંદ કરે છે. સાથે જ એ પણ સાબિત થાય છે કે આરે રહેવાસી દીપડાની વસ્તી ધરાવે છે અને એથી તેમના કુદરતી રહેઠાણનું રક્ષણ કરવું જરૂરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન બન્યાના ગણ્યાગાંઠ્યા દિવસોમાં જ ઉદ્ધવ ઠાકરેએ આરેની કાર-ડેપો સાઇટ પર કોઈ પણ બાંધકામ હાથ ધરવા પર મનાઈ ફરમાવી હતી. પછીથી સરકારે કાર-ડેપો સાઇટ માટે વૈકલ્પિક સ્થળ શોધવા માટેની સમિતિ પણ નિયુક્ત કરી હતી.

ranjeet jadhav mumbai mumbai news aarey colony