મુંબઈ: મલાડ સબવેમાં કાર ફસાતાં બે યુવાનનું ગૂંગળાઇને મોત

03 July, 2019 08:02 AM IST  |  મુંબઈ

મુંબઈ: મલાડ સબવેમાં કાર ફસાતાં બે યુવાનનું ગૂંગળાઇને મોત

મલાડના સબવેમાં ૧૦ ફૂટ પાણી ભરાતા પાણીમાં ડૂબેલી કાર અને અંદર ગુંગળાઈને મૃત્યુ પામેલા બે કમનસીબ યુવાનો.

સોમવારે શહેરમાં પડેલા ભારે વરસાદે મલાડમાં બે યુવાનનો ભોગ લીધો હતો. મલાડના પાણી ભરેલા સબવેમાં કાર ડૂબી જતાં કારની અંદરના બે યુવાનનાં ગૂંગળાઈને મૃત્યુ થયાં હતાં. સોમવારે રાત્રે કાર સબવેમાં ફસાઈ ગઈ હતી, પણ અંધારાને લીધે લોકો ૧૦ ફીટ ભરાયેલા પાણીમાં કાર ડૂબી હોવાનું જોઈ નહોતા શક્યા. મંગળવારે સવારે સબવેનું પાણી ઓછું થતાં કાર દેખાઈ હતી, જેની અંદર બે યુવાનના મૃતદેહ મળી આવ્યા હતા.

ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ સોમવારે સવારથી લઈને મોડી રાત સુધી મુશળધાર વરસાદ પડવાને લીધે મલાડના સબવેમાં ૧૦ ફીટ જેટલું પાણી ભરાયું હતું. મોડી રાત્રે એક સ્કૉર્પિયો કાર સબવેમાં જતી હતી એ પાણીના વહેણમાં અટવાઈ ગઈ હતી. કારની ઊંચાઈ કરતાં વધુ પાણી સબવેમાં ભરાયેલું હોવાથી કાર આગળ કે પાછળ જઈ નહોતી શકી. કારની અંદરના ઇરફાન ખાન અને ગુલશાદ શેખ કારમાં ફસાઈ ગયા હતા. તેમણે કારનો દરવાજો ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીના દબાણને લીધે કારનો કાચ તૂટી જવાથી પાણી અંદર ધસી ગયું હતું અને બન્ને યુવાનો કાર સાથે ડૂબી ગયા હતા.

આ કમનસીબ ઘટના રાતના અંધારામાં બનવાની સાથે કારનો રંગ પણ કાળો હોવાથી સબવેમાં કાર ફસાઈ હોવાની કોઈને ખબર નહોતી પડી. મંગળવારે સવારે ૪ વાગ્યે સબવેનું પાણી ઓસરતાં કાર નજરે પડ્યા બાદ ફાયરબ્રિગેડને જાણ કરતાં જવાનોએ કારને સબવેની બહાર ખેંચીને એની અંદર ગૂંગળાઈને મૃત્યુ પામેલા યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો : મુંબઈ: મલાડમાં દીવાલ તૂટી પડતાં 22નાં મૃત્યુ

પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને બન્ને મરનારના મૃતદેહ પોસ્ટમૉર્ટમ કરવા માટે શતાબ્દી હૉસ્પિટલમાં મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

mumbai monsoon mumbai rains mumbai news malad