મુંબઈ: મીઠી નદીમાં પૂર અને દરિયામાં ભરતીને કારણે મુંબઈને લાગી બ્રેક

05 August, 2019 09:19 AM IST  |  મુંબઈ | અરિતા સરકાર

મુંબઈ: મીઠી નદીમાં પૂર અને દરિયામાં ભરતીને કારણે મુંબઈને લાગી બ્રેક

ભારે વરસાદને કારણે મીઠી નદીમાં પૂર આવ્યાં હતાં અને એનાં પાણી સાયન અને કુર્લા સ્ટેશન વચ્ચેના રેલવે-ટ્રૅક તેમ જ કિનારાના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. તસવીર: પી.ટી.આઇ.

મુંબઈમાં ગઈ કાલે પડેલા વરસાદનું પ્રમાણ મધ્યમ હોવા છતાં મીઠી નદીમાં પૂર અને દરિયામાં ભરતીને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. છલકાયેલા વિહાર તળાવ અને વાકોલા નદીનું પાણી મીઠી નદીમાં ઠલવાતાં પશ્ચિમ અને પૂર્વનાં પરાંમાં રસ્તા પર તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ગઈ કાલે બપોરે દરિયામાં ભરતીનાં મોજાં ૪.૮૩ મીટર ઊંચાં ઊછળ્યાં હતાં. ૧૧ વાગ્યે ભરતી શરૂ થઈ ત્યારે ૪ મીટર ઊંચાં મોજાં ઊછળતાં હતાં. ત્યાર પછી ૨.૩૦ વાગ્યે મોજાંનું જોર વધ્યું હતું. એક તબક્કે મીઠી નદીની જળસપાટી દરિયાની સપાટીથી ઉપર હતી, પરંતુ ભરતીને કારણે દરિયાનું પાણી મીઠી નદીમાં પાછું ઠલવાતાં પૂર્વનાં પરાંઓમાં ઘૂંટણ સુધી અને ક્યાંક સાથળ સુધી પાણી ભરાયાં હતાં. મૂળ તો મીઠી નદીમાં પૂર આવતાં પુષ્કળ પાણી ભરાયાં હતાં અને રવિવારે પણ મુંબઈગરાએ જબરદસ્તીથી ઘરે ભરાઈ રહેવું પડ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે મીઠી નદીમાં નાનાં-મોટાં નાળાં ઉપરાંત અન્ય પ્રવાહો પણ ભળે છે. વિહાર તળાવ અને વાકોલા નદીનું પાણી પણ મીઠી નદીમાં ભળે છે. વાકોલા નદી અને મીઠી નદીનો મેળાપ ૯૦ અંશના કોણ એટલે કે કાટખૂણે થતો હોવાથી વાકોલા નદીના પાણીનો ધસારો વધે છે. દરિયામાં ભરતીને કારણે વાકોલા નદીનું બધું પાણી મીઠી નદીમાં નહીં સમાતાં એ પાછું જતું હતું.

પૂર્વનાં પરાંમાં લાલ બહાદુર શાસ્ત્રી રોડ, પ્રીમિયર રોડ અને કાપડિયા નગરના રસ્તા પાણી ભરાવાને કારણે લગભગ બંધ હતા. કુર્લાના ક્રાન્તિ નગરમાં ગઈ કાલે પરોઢિયે પાંચ વાગ્યે મીઠી નદીનું પાણી ભરાવા માંડતાં ૪૦૦ જણને બઝારવાડ મ્યુનિસિપલ સ્કૂલમાં સલામત ઠેકાણે લઈ જવામાં આવ્યા હતા. મીઠી નદીની સપાટી ડેન્જર માર્કથી ઉપર જતાં નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ફોર્સની ટીમ યાંત્રિક હોડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોએ ઘર છોડીને સલામત સ્થળે જવાનો ઇનકાર કરતાં પોલીસની મદદ લેવાની જરૂર પડી હતી.

આ પણ વાંચો : ... અને જોત જોતામાં તણાઈ ચાર ગાય, જુઓ વીડિયો

ક્યાં-ક્યાં પાણી ભરાયાં?

ગાંધીનગર (ઘાટકોપર),
નેહરુનગર (કુર્લા)
શ્રદ્ધા જંક્શન (કુર્લા),
સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (ચેમ્બુર)
સાયન જંક્શન (બાંદરા)
નાઈકનગર સિગ્નલ (સાયન)
દહિસર સબવે
માગોથણે બ્રિજ (બોરીવલી)
નેતાજીનગર (અંધેરી)
અંધેરી સબવે
ન્યુ લિન્ક રોડ (મલાડ)
જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ જંક્શન (જોગેશ્વરી)

mumbai news mumbai mithi river mahim sion mumbai rains