મુંબઈ : પાટા પર પાણી ફરી વળતાં સેન્ટ્રલ અને હાર્બર લાઇન ખોટકાઈ

04 August, 2019 09:07 AM IST  |  મુંબઈ

મુંબઈ : પાટા પર પાણી ફરી વળતાં સેન્ટ્રલ અને હાર્બર લાઇન ખોટકાઈ

વેસ્ટર્ન રેલવે

ભારે વરસાદ અને હાઈ ટાઇડને લીધે રેલવે-ટ્રૅક પર પાણી ફરી વળતાં સેન્ટ્રલ રેલવેના થાણે અને પનવેલ લાઇનના ટ્રેનવ્યવહાર પર ભારે અસર થઈ હતી. આથી આ લાઇન પરનાં વિવિધ સ્ટેશનોએ હજારો પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. અટવાઈ ગયેલા પ્રવાસીઓને મુંબઈ મહાનગરપાલિકાએ દક્ષિણ મુંબઈ અને સેન્ટ્રલ મુંબઈની સ્કૂલોમાં રિલીફ કૅમ્પ શરૂ કરીને નાસ્તો-પાણી પૂરાં પાડ્યાં હતાં.

સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ ઉદેશીએ કહ્યું હતું કે ‘અરબી સમુદ્રમાં હાઈ ટાઇડ અને બપોર સુધી પડેલા ભારે વરસાદને લીધે ટ્રૅક પર પાણી ભરાયાં હતાં જેથી કુર્લા, સાયન અને ચૂનાભઠ્ઠીમાં ટ્રેનવ્યવહાર અટકી ગયો હતો. સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇન પરનાં કુર્લા-સાયન સ્ટેશન અને હાર્બરમાં સીએસએમટીથી થાણેની લાઇન અટકાવવી પડી હતી.’

સેન્ટ્રલ રેલવેએ હાર્બર લાઇન પર સીએસએમટીથી વાશી વચ્ચેનો ટ્રેનવ્યવહાર થોડા સમય સુધી બંધ કરી દેવો પડ્યો હતો, જેને લીધે બે સ્ટેશનો વચ્ચે અટવાઈ ગયેલી લોકલ ટ્રેનમાંથી ઊતરીને લોકો વરસતા વરસાદમાં ટ્રૅક પર ચાલીને નજીકના સ્ટેશને પહોંચ્યા હતા, જેના અનેક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા.

તિલકનગર સ્ટેશન પર રેલવે ફુટ ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતાં હાર્બર લાઇનમાં દક્ષિણ મુંબઈના સીએસએમટીથી રાયગડના પનવેલને જોડતી લાઇનને અસર થઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા નહોતી થઈ. આ ઘટના બાદ ફાસ્ટ ટ્રેનો સીએસએમટી અને દાદર સ્ટેશન વચ્ચે દોડાવાઈ હતી.

ટ્રેનો અટકી જવાથી રઝળી પડેલા પ્રવાસીઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ સીએસએમટી ખાતે પાલિકા સંચાલિત બોરાબજારમાં આવેલી મનોહરલાલજી સ્કૂલમાં વિશેષ વ્યવસ્થા કરી હતી. જેઓ ઘરે જવા માગતા હતા તેમને માટે વડાલાથી વાશી સુધીની બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજે ચાર વાગ્યા સુધી વડાલાથી વાશીની ૧૨ બસો રવાના થઈ હતી. એ સિવાય દાદર અને કુર્લા સ્ટેશનો પર રઝળી પડેલા પ્રવાસીઓ માટે રિલીફ કૅમ્પ ઊભા કરીને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

આ પણ વાંચો : બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી મુંબઈ અને થાણેમાં જનજીવન ખોરવાયું

ઉત્તર મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હોવા છતાં વેસ્ટર્ન રેલવેને ખાસ કોઈ અસર નહોતી થઈ. અમુક ટ્રેનો મોડી પડ્યા સિવાય કોઈ મુશ્કેલી નહોતી થઈ.

mumbai railways central railway harbour line mumbai rains mumbai monsoon indian railways mumbai news