મહાનગરપાલિકાની હૉસ્પિટલોમાં વધારાશે આઇસીયુ બેડની સંખ્યા

23 December, 2019 08:18 AM IST  |  Mumbai | Arita Sarkar

મહાનગરપાલિકાની હૉસ્પિટલોમાં વધારાશે આઇસીયુ બેડની સંખ્યા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકાની ચાર મુખ્ય હૉસ્પિટલ (સાયન, કેઈએમ, નાયર અને કૂપર)માં ઇન્ટેન્સિવ કૅર યુનિટ્સ (આઇસીયુ) અને વેન્ટિલેટર્સની વ્યવસ્થાને કારણે દર્દીઓનો ધસારો અને બોજ ઘટાડવાના ઉદ્દેશથી બધી પેરિફેરલ હૉસ્પિટલોમાં આઇસીયુ અને વેન્ટિલેટર્સની જોગવાઈ કરવામાં આવશે. ઉક્ત ચાર સહિતની ટર્શિયરી કૅર હૉસ્પિટલ્સમાં વેન્ટિલેટર્સની સંખ્યા મર્યાદિત હોવાથી દર્દીઓએ હૉસ્પિટલના કોરિડોરમાં રાહ જોવી પડતી હોય છે. એ પરિસ્થિતિના નિવારણ માટે પેરિફેરલ હૉસ્પિટલ્સમાં પણ વેન્ટિલેટર્સ અને આઇસીયુની શક્ય એટલી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે.

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ આરોગ્ય ખાતાના અધિકારીઓને ઉપરોક્ત કાર્ય માટે વિગતવાર યોજના ઘડવાની સૂચના આપી છે. એ યોજનાને આવતા મહિને આખરી રૂપ આપવામાં આવશે. સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘મુખ્ય હૉસ્પિટલ્સની બેડ સમાવવાની ક્ષમતા પૂરી થઈ ગઈ છે અને હવે આઇસીયુ બેડ કે વેન્ટિલેટર્સ માટે કોઈ જગ્યા બચી નથી. અમે પેરિફેરલ હૉસ્પિટલ્સને વિકસાવવાની યોજના ઘડી છે. અમે લોકોને તબીબી સેવાઓ માટે મેજર હૉસ્પિટલ્સમાં જવાને બદલે નજીકની મ્યુનિસિપલ પેરિફેરલ હૉસ્પિટલમાં જવાનું પ્રોત્સાહન આપીશું.’

સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ‘શહેરમાં ૧૬ પેરિફેરલ હૉસ્પિટલ્સ છે. મહાનગરપાલિકા સૌપ્રથમ મેજર હૉસ્પિટલ્સથી ખૂબ દૂર હોય એવી હૉસ્પિટલ પર ધ્યાન આપશે. જો કોઈ દર્દી બોરીવલીમાં હોય તો એ વિસ્તારની પેરિફેરલ હૉસ્પિટલમાં જઈ શકે અને ત્યાર પછી જરૂર પડે તો તેમને મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં મોકલવામાં આવશે. ખાસ ધ્યાન આપવાની જરૂર હોય, પણ જીવનું જોખમ ન હોય એ પ્રકારની મલેરિયા અને ફ્રૅક્ચર જેવી બીમારીઓ ધરાવતા દર્દીઓની સારવાર શક્ય બને એ રીતે પેરિફેરલ હૉસ્પિટલ્સની ક્ષમતા વધારવામાં આવશે. એ ઉપરાંત મહાનગરપાલિકાનાં તમામ દવાખાનાંમાં મેડિકલ ઑફિસર્સની નિયુક્તિની વિચારણા પણ ચાલે છે.’

brihanmumbai municipal corporation KEM Hospital nair hospital cooper hospital sion mumbai news