ભાઇંદરમાં સેક્સ-વર્કરોના ત્રાસથી લોકો પરેશાન

03 December, 2019 12:52 PM IST  |  Mumbai

ભાઇંદરમાં સેક્સ-વર્કરોના ત્રાસથી લોકો પરેશાન

ભાઈંદર રેલવે સ્ટેશન પર રવિવારે મોરચો કાઢીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી મહિલાઓ.

ભાઈંદરમાં રેલવે સ્ટેશન અને આસપાસમાં સેક્સ-વર્કરના ત્રાસથી પરેશાન મહિલાઓએ આ દૂષણને હટાવવા માટે મોરચો માંડ્યો છે. 

સાંજથી મોડી રાત સુધી દેહના સોદા કરતી મહિલાઓને કારણે સારા ઘરની મહિલાઓ માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બની ગયું હોવાની ફરિયાદ મળ્યા બાદ સ્થાનિક નગરસેવિકા સહિત મહિલાઓએ રેલવે અને શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભાઈંદર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર છ પરિસર, રેલવે બ્રિજ, સ્ટેશન રોડ, બી.પી. રોડ તેમ જ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી દેહવ્યવસાય કરતી મહિલાઓનો ત્રાસ વધવાની સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ મળવાથી શિવસેનાની સ્થાનિક નગરસેવિકા કુસુમ સંતોષ ગુપ્તા અને કેટલીક મહિલાઓએ તાજેતરમાં ભાઈંદર રેલવે સ્ટેશન પર જઈને મોરચો કાઢ્યો હતો.

મોરચાની સાથે રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન પોલીસ અને શહેરના નવઘર પોલીસમાં આ દૂષણ સામે કાર્યવાહી કરવાની ફરિયાદ નોંધાવી છે. આ સિવાય મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં મેયર ડિમ્પલ મહેતાએ પણ આ બાબતે પોલીસ સાથે બેઠક બોલાવી હતી.

નગરસેવિકા કુસુમ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવે અને શહેર પોલીસને દેહવ્યવસાય કરતી મહિલાઓ સામે કાર્યવાહી કરવાની અમે ફરિયાદ આપ્યા બાદથી પોલીસ ઍક્શનમાં આવી છે. પોલીસની સાથે આ વિસ્તારની મહિલાઓ પણ જાતે જઈને સેક્સ-વર્કરોને હટાવવાનો પ્રયાસ કરી રહી છે.’

mumbai news bhayander