ઊંઘણશી ડ્રાઇવરને લીધે પ્રવાસીએ હંકારી કૅબ ઓલાનો ડ્રાઇવર બન્યો મુસાફર

24 December, 2019 07:17 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ઊંઘણશી ડ્રાઇવરને લીધે પ્રવાસીએ હંકારી કૅબ ઓલાનો ડ્રાઇવર બન્યો મુસાફર

પ્રશાંત રાવ સાથે કૅબ ડ્રાઈવર

થાણેના એક રહેવાસીએ તાજેતરમાં મધરાત બાદ અંધેરીથી ઓલા કૅબ બુક કરાવી હતી, પણ કૅબ આવી ત્યારે તે ચોંકી ઊઠ્યો હતો. ડ્રાઇવરને એટલીબધી ઊંઘ આવતી હતી કે તે વાહન ચલાવવા માટે સક્ષમ નહોતો. એ વખતે અન્ય કૅબ શોધવી મુશ્કેલ હોવાથી પ્રવાસીએ પોતે જ કાર ડ્રાઇવ કરીને પોતાના ગંતવ્યસ્થાને પહોંચવું પડ્યું હતું.

આ બનાવનું વર્ણન કરતાં થાણેમાં રહેતા પ્રશાંત રાવે કહ્યું કે ‘૧૫ ડિસેમ્બરે રાતે ૧૨.૩૦ વાગ્યે મેં ફ્લૅગ હોટેલ, લોખંડવાલાથી થાણે સુધી ઓલા બુક કરાવી હતી. ડ્રાઇવર પિકઅપ પૉઇન્ટ પસાર કરીને આગળ નીકળી ગયો અને અટક્યો નહીં. મેં તેને ફોન કર્યો અને તેણે કહ્યું કે હું આગળ નીકળી ગયો છું. તેણે મને થોડો આગળ આવવાનું કહ્યું. જ્યારે હું આશરે ૫૦૦ મીટર જેટલો આગળ ગયો ત્યારે તે તેની સીટ પર સૂતો હતો. મેં તેને કહ્યું કે તું ઠીક તો છેને. તેણે હા પાડી અને સફર શરૂ થઈ.’

મુસાફરી પૂરી કર્યા બાદ દિગ્મૂઢ થઈ ગયેલા રાવે હેલ્પલાઇન-નંબર પર ફોન કરીને ફરિયાદ કરી હતી. તેણે આગળ જણાવ્યું કે ‘આશરે એકાદ કિલોમીટર જેટલું અંતર કાપ્યા પછી હું સ્તબ્ધ થઈ ગયો. કારણ કે ડ્રાઇવર બેથી ત્રણ વખત સામેની કાર સાથે અથડાતાં સહેજમાં બચી ગયો હતો. પછી બ્રિજ પર કાર ચલાવવા દરમ્યાન તે ફરી ઊંઘતો હતો, એટલે મેં તેને થોભાવ્યો હતો.’

‘મેં બીજી કોઈ કાર માટે પ્રયત્ન કર્યો, પણ એ પૉઇન્ટને સમયસર કનેક્ટ ન કરી શક્યો. એટલે મેં તેને કહ્યું કે હું ડ્રાઇવ કરીશ. એ માટે તે તરત જ માની ગયો અને તેણે હા પાડી દીધી. પછી મેં થાણે સુધી કાર ચલાવી હતી. તે મારી ડાબી બાજુની સીટ પર સૂઈ ગયો હતો. થાણે સુધી તે બિલકુલ ભાનમાં નહોતો. થાણે પહોંચીને મેં તેને ઢંઢોળીને જગાડ્યો અને તેને સવાર સુધી અન્ય કોઈ સવારી ન લેવાની સલાહ આપી. હું એ કલ્પનામાત્રથી ધ્રૂજી ઊઠું છું કે જો મારી જગ્યાએ કોઈ મહિલા આ કારમાં પ્રવાસ કરતી હોત તો તેનું શું થયું હોત.’

આ બનાવનો વિગતવાર ઘટનાક્રમ મોકલ્યા છતાં ઓલા ટીમ પાસેથી કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો.

ola thane mumbai news rajendra aklekar