મુંબઈ : 13 મૉલ્સ પાસે હવે નો પાર્કિંગ

18 November, 2019 08:12 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ : 13 મૉલ્સ પાસે હવે નો પાર્કિંગ

ઓબેરૉય મોલ

મહાનગરના પાંચ વિસ્તારોમાં સ્ટ્રીટ પાર્કિંગની જોગવાઈ કર્યા પછી મુંબઈ પાર્કિંગ ઑથોરિટી શહેરના મૉલના એન્ટ્રી પૉઇન્ટ્સથી ૧૦૦ મીટરના ક્ષેત્રમાં પાર્કિંગ પર પ્રતિબંધ મૂકીને માર્ગો પર વાહનોની ગીચતા ઘટાડવાના પ્રયાસ કરે છે. રસ્તા પર પાર્કિંગ ઘટાડવા માટે ઑથોરિટીએ ૧૩ મૉલ્સના સંચાલકોને તેમના પાર્કિંગ લૉટ્સમાં પ્રાઇવેટ વાહનોના પાર્કિંગની છૂટ માટે સંમત કર્યા છે. ઉપરોક્ત યોજનાનો અમલ તબક્કાવાર રીતે કરવામાં આવે છે ત્યારે મુંબઈ ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ ઝોન્સ જાહેર કરતાં નોટિફિકેશન્સ બહાર પાડ્યાં છે. એ નો પાર્કિંગ ઝોન્સમાં પાર્કિંગ કરનાર પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે.
મુંબઈ પાર્કિંગ ઑથોરિટીની નો પાર્કિંગ વ્યવસ્થામાં સહભાગી મૉલ્સમાં લોઅર પરેલનો પેલેડિયમ, વરલીનો એટ્રિયા, નરીમાન પૉઇન્ટનો સીઆરટુ, ગોરેગામનો ઑબેરૉય, ઘાટકોપરનો આરસિટી વગેરેનો સમાવેશ છે.

મુંબઈ પાર્કિંગ ઑથોરિટીની સલાહકાર સમિતિના સભ્ય અને પ્રોજેક્ટ મુંબઈના સ્થાપક શિશિર જોશીએ જણાવ્યું હતું કે ‘નો પાર્કિંગનો નિયમ ખાનગી વાહનો ઉપરાંત રિક્ષાઓ અને ટૅક્સીઓને પણ લાગુ કરાશે. મૉલ્સના માલિકો તરફથી પણ પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરના કાર પાર્કિંગ પુલમાં એ પાર્કિંગ સ્લોટ્સ ઉમેરાયા પછી વિકલ્પો વધી જશે. બહારનાં વાહનો માટે પાર્કિંગ-ફી સંબંધિત મૉલના માલિકો નક્કી કરશે. તેમને બહુ મોંઘી ફી નહીં રાખવાની સૂચના આપવામાં આવી છે. વાહનોની ગીચતા ઘટાડવાની જરૂરિયાત ધરાવતા વિસ્તારોની તારવણી અને પાર્કિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ વગર યોજના આગળ નહીં વધારવાની તાકીદ રિવ્યુ કમિટીના ચૅરમૅન સનદી અધિકારી ગૌતમ ચેટરજીએ કરી છે.

મુંબઈના જૉઇન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) મધુકર પાંડેએ જણાવ્યું હતું કે ‘આ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના ગાળામાં ૧૩ મૉલ્સને નો પાર્કિંગ નોટિફિકેશન્સ મોકલવામાં આવ્યાં છે. એમાંથી કેટલાક મૉલ્સના ક્ષેત્રમાં એ સૂચનાનાં બોર્ડ્સ પણ મૂકવામાં આવ્યાં છે. અમે મોટર વેહિકલ્સ ઍક્ટ હેઠળ કાર્યવાહી પણ શરૂ કરી છે. અમે આવી આવશ્યકતા ધરાવતાં ક્ષેત્રો અને સીમાઓની તારવણી શરૂ કરી છે અને વધુ આઠથી દસ મૉલ્સને નો પાર્કિંગનાં નોટિફિકેશન્સ મોકલવામાં આવશે.’

કયા ૧૩ મૉલ?

સ્ટાર મૉલ-દાદર
નક્ષત્ર મૉલ-દાદર
સીઆરટુ મૉલ-નરીમાન પોઇન્ટ
સિટી સેન્ટર મૉલ-નાગપાડા
એિટ્રયા મૉલ-વરલી
પેલેડિયમ મૉલ-લોઅર પરેલ
કે સ્ટાર મૉલ-ચેમ્બુર
આરસિટી મૉલ-ઘાટકોપર
ઇન્ફિનિટી મૉલ-અંધેરી(વેસ્ટ)
ડી.માર્ટ શૉપિંગ-મુલુંડ
ઑબેરૉય મૉલ-ગોરેગામ(ઈસ્ટ)
માર્ક ઍન્ડ સ્પેન્સર મૉલ-બાંદરા
હબ મૉલ-ગોરેગામ

નો પાર્કિંગનો નિયમ ખાનગી વાહનો ઉપરાંત રિક્ષા અને ટૅક્સીને પણ લાગુ કરાશે
- શિશિર જોશી, મુંબઈ પાર્કિંગ ઑથોરિટીની સલાહકાર સમિતિના સભ્ય

goregaon bandra mumbai news mumbai traffic