સેન્ટ્રલ રેલવેની ન્યુ યર ગિફ્ટ : 60 સર્વિસ વધશે

02 January, 2020 03:03 PM IST  |  Mumbai

સેન્ટ્રલ રેલવેની ન્યુ યર ગિફ્ટ : 60 સર્વિસ વધશે

મુંબઈ લોકલ

કાયમ ગિરદીનો સામનો કરતાં સેન્ટ્રલ લાઇનના મુસાફરો માટે સારા સમાચાર છે. આ વર્ષે મધ્ય રેલવે પરની વિવિધ લાઇનોમાં રઝળી પડેલું થાણે-દીવા પાંચમી અને છઠ્ઠી લાઇન નાખવાનું કામ પૂરું થવાની શક્યતા છે. આથી આ વિસ્તારના પ્રવાસીઓ માટે રેલવે ૫૦થી ૬૦ સર્વિસ વધારી શકશે.

મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી) દ્વારા મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી) હાથ ધરવામાં આવ્યો છે. એમયુટીપી-૨માં થાણે-દીવા પાંચમી, છઠ્ઠી રેલવે લાઇનનું કામ ૨૦૨૦ એટલે કે આ વર્ષે પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે.

આ લાઇનથી બહારગામની એક્સપ્રેસ ટ્રેન માટેનો રસ્તો ખુલ્લો થશે, જ્યારે બાકીની ચાર લાઇન લોકલ ટ્રેન માટે વાપરી શકાશે. આથી આ લાઇનો પર ટ્રેન સર્વિસમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. અત્યારના ટાઇમટેબલ પ્રમાણે ૫૦થી ૬૦ ટ્રેન સર્વિસ ઉમેરી શકાશે. આથી આ વર્ષે જ સેન્ટ્રલ લાઇનમાં રહેતા લોકોને ગિરદીમાંથી થોડી રાહત મળવાની શક્યતા ઊભી થઈ છે.

એમઆરવીસી અધિકારીના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસા પહેલાં જ ૭૦ ટકા જેટલું થાણે-દીવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇન બેસાડવાનું કામ પૂરું કરી દેવાશે. બાકીનું કામ બાદમાં સેન્ટ્રલ રેલવે દ્વારા હાથ ધરીને પૂરું કરાશે.

આ સિવાય રેલવે દ્વારા આ વર્ષે સેન્ટ્રલ લાઇનમાં એસી અને સેમિ એસી ટ્રેનો વધારવાની યોજના પણ બનાવાઈ છે. આથી ઉનાળાના સમયમાં મધ્ય રેલવે લાઇનમાં રહેતા લોકોને રાહત થશે.

mumbai news mumbai central railway mumbai railways mumbai local train