મુંબઈ : કુર્લામાં ધોળે દિવસે હિસ્ટરીશીટરની હત્યા

06 March, 2019 10:54 AM IST  | 

મુંબઈ : કુર્લામાં ધોળે દિવસે હિસ્ટરીશીટરની હત્યા

કુર્લામાં હિસ્ટરીશીટરનું જાનુ પવાર ઉર્ફે બિલ્લાની તેના સાવકા ભાઈએ ગઈ કાલે હત્યા કરી તે જગ્યાની તપાસ કરી રહેલી પોલીસ.

કુર્લા (વેસ્ટ)ના હલાવ બ્રિજ વિસ્તારમાં ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે કુખ્યાત હિસ્ટરીશીટર જાનુ પવાર ઉર્ફે બિલ્લાની તેના સાવકા ભાઈએ હત્યા કરી નાખી હતી. જાનુ પવાર પર ૨૦૧૬માં તેના કઝિનની હત્યાનો કેસ ચાલી રહ્યો છે અને તે જામીન પર બહાર આવ્યો હતો. ગઈ કાલે તે જાહેર ટૉઇલેટમાં જઈ રહ્યો હતો ત્યારે તેના પર બે રાઉન્ડ ગોળીબાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા અને વિનોબા ભાવે નગર પોલીસ-સ્ટેશનમાં શરણે આવ્યા હતા, જ્યાં ફરજ પરના પોલીસ-અધિકારીએ બન્ને સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

કુર્લા (વેસ્ટ)ની માંકડવાલા લેનમાં રહેતા ૩૮ વર્ષના જાનુ પવારે ૨૦૧૬ના માર્ચ મહિનામાં તેના કઝિન દીપક પવારની હત્યા કરી હતી. દીપકની હત્યા કરીને તેની બૉડીને લોનાવલામાં દાટી દીધી હતી. આ માટે તેની ધરપકડ થયા બાદ આ ગુના માટે તે જેલમાં હતો. જાનુ સામે મુંબઈમાં અત્યાર સુધીમાં આઠ ગુના નોંધાયેલા છે. તેને ૨૦૧૮ના સપ્ટેબરમાં કુર્લામાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા. જાનુને તેના સાવકા ભાઈ સાથે પ્રૉપર્ટી વિશે વિવાદ હતો.

પવાર ફૅમિલીની હલાવ બ્રિજ વિસ્તારમાં ચાર રૂમ છે. જાનુ પવાર આ ભાડે આપેલી મિલકતનાં ભાડાંની આવકમાંથી તેનો હિસ્સો માગી રહ્યો હતો. તેની સાવકી માતા અને તેનો ભાઈ આ માગણીનો વિરોધ કરી રહ્યાં હતાં. સોમવારની રાતે જાનુ માંકડાવાલા ચાલમાં આવ્યો હતો અને રૂપિયાની માગણી કરી રહ્યો હતો અને તે મંગળવારે સવારે પાછો આવશે એમ ધમકી આપીને ગયો હતો. જાનુ મંગળવારે સવારે આવ્યો હતો અને તેની સાવકી માતા સાથે આ જ મુદ્દે ઝઘડો કર્યો હતો. તેની સાવકી માતા વિનોબા ભાવે નગર પોલીસ-સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવવા ગઈ હતી. નજીકનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ બન્ને ભાઈઓ વચ્ચે દુશ્મની હતી અને એનો લાભ તે વિનોદની વાઇફ સાથે લેતો હતો.

જાનુ બે કલાક બાદ નજીકના જાહેર ટૉઇલટમાં કુદરતી હાજતે જઈ રહ્યો હતો ત્યારે વિનોદ પવારે તેના પર પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. જાનુને એક બુલેટ તેના શરીરની પાછળના ભાગમાં અને બીજી બુલેટ છાતીના ભાગમાં વાગી હતી અને તે ત્યાં ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો : મુંબઈ: વસઈ-દિવા-પનવેલ સેક્શનનો સબર્બન રેલવેમાં સમાવેશ

બાદમાં આરોપી વિનોદ પવાર નજીકના પોલીસ-સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. ઝોન પાંચના DCP વિક્રમ દેશમાનેએ જણાવ્યું હતું કે અમે એક જણની આ મામલે ધરપકડ કરીને આગળની તપાસ કરી રહ્યા છીએ.

kurla mumbai news Crime News mumbai crime news