મિડ-ડેના અહેવાલે વસઈની 45 વર્ષની મહિલાને તેના પરિવાર સાથે મેળવી

08 November, 2019 12:38 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

મિડ-ડેના અહેવાલે વસઈની 45 વર્ષની મહિલાને તેના પરિવાર સાથે મેળવી

ગુમ થયેલાં ઝોહરા મરેડિયાને ગોરેગામના જૈન પરિવારે સહારો આપ્યો હતો.

વસઈ-વેસ્ટમાં દિવાનમાન તળાવ પાસે રહેતાં ૪૫ વર્ષીય માનસિક રીતે થોડા અસ્થિર ઝોહરા મરેડિયા ૩૧ ઑક્ટોબરના બપોરથી ઘરેથી નીકળ્યાં બાદ તેમનો કોઈ જ પત્તો લાગી રહ્યો નહોતો. પરિવારને કોઈએ બોરીવલી સ્ટેશને જોયા હોવાનું કહેતાં પ્લૅટફૉર્મના સીસીટીવી કૅમેરા તપાસ કર્યા હતા. ફુટેજમાં તેઓ પ્લૅટફૉર્મ પર ફરી રહ્યા હોવાનું અને ચર્ચગેટ જતી સ્લૉ ટ્રેન પકડી હોવાનું દેખાયું હતું. જો કે એ બાદ વેસ્ટર્ન રેલવેના અનેક સ્ટેશનોના ફુટેજ જોયા પરંતુ ક્યાંયથી કોઈ માહિતી મળી રહી નહોતી. અંતે પરિવારે મિત્રો, સંબંધીઓની ટીમ બનાવીને અનેક સ્ટેશનોએ તપાસ કરી પરંતુ કંઈ અર્થ ન નીકળ્યો અને પરિવાર પૅમ્ફલૅટ વહેંચીને તેમને શોધવાના હતા. જો કે ગોરેગામના એક જૈન પરિવારે આ મહિલાને જોતાં અને આ વિશે ગઈ કાલે ‘મિડ-ડે’માં અહેવાલ વાંચ્યા બાદ તેમની ઓળખ કરીને તેમને પોતાના ઘરે સહારો આપ્યો હતો. પરિવાર સાથે અઠવાડિયા બાદ મિલન થતાં ભાવુક વાતાવરણ ઊભું થયું અને ‘મિડ-ડે’ના પ્રયાસ બદલ સલામ કરવામાં આવી હતી.

mumbai news mumbai vasai