મુંબઈ : આ ભાઈને તો ખરેખર સલામ કરવા જેવું

21 January, 2019 11:50 AM IST  | 

મુંબઈ : આ ભાઈને તો ખરેખર સલામ કરવા જેવું

મલાડના 140 કિલો વજન ધરાવતા ક્રિષ્ણા અગ્રવાલ.

મલાડ-વેસ્ટમાં સુંદરનગરમાં રહેતા ૪૪ વર્ષના વેપારી ક્રિષ્ણા (ગોલ્ડી) અગ્રવાલે ગઈ કાલે મૅરથૉનમાં ૧૦ કિલોમીટર રનમાં ભાગ લઈને પોતાનો જ નહીં, પણ ત્યાં હાજર બધા લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. ૧૪૦ કિલો વજન ધરાવતો હોવાથી હાફતાં-હાફતાં પણ તે દોડી રહ્યો હોવાથી રસ્તા પરથી પસાર થાય ત્યારે લોકો તેને તાળીઓ વગાડીને પ્રોત્સાહિત કરી રહ્યા હતા.

બોલતાં-બોલતાં પણ હાફી જતાં ક્રિષ્ણા અગ્રવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છ વર્ષ પહેલાં મને ડબલ ન્યુમોનિયા, ચેસ્ટ ઇન્ફેક્શન થતાં મારાં લંગ્સ સ્લો થઈ ગયાં અને શ્વાસ લઈ શકતો નહોતો. હું દોઢ વર્ષ સુધી હૉસ્પિટલમાં જ ઍડ્મિટ હતો. હું એ સમયે કોમામાં હતો અને એક બાજુએ જ સૂતો રહેતો હતો. મને હોંશ આવ્યા બાદ હું ઘરે ગયો અને ઘરમાં જ સૂતો રહેતો હોવાથી મારા પાછળના ભાગમાં ખૂબ જ જખમ આવ્યાં હતાં. અડધો હાથ જતો રહે એટલો ગૅપ આવી જતાં એની પણ ટ્રીટમેન્ટ કરાવી હતી. આ બધા વચ્ચે મારું વજન લગભગ ૧૭૦ કિલો સુધીનું થઈ ગયું હતું.

આ પણ વાંચો : આલી રે આલી આફૂસ આલી

મારું વજન વધી ગયું હોવાથી હું ચાલી તો શું ઊભો પણ થઈ શકતો નહોતો. મારી હાલત જોઈને પરિવારજનોએ રનિંગ ગ્રુપમાં મને જોડાવ્યો હતો. એથી છેલ્લાં બે વર્ષથી હું મુંબઈ મૅરથૉનમાં ભાગ લઈ રહ્યો છું. હું દોડી પણ શકતો નહોતો, પરંતુ થોડી પ્રૅક્ટિસ કરતાં હું થોડો દોડી શકું છું. ગઈ કાલે હું દોડી રહ્યો હતો ત્યારે લોકોએ મને ખૂબ ઉત્સાહિત કર્યો હતો જે મારા મનને સ્પર્શી ગયો હતો. એથી મારા જેવા અનેક લોકોએ નિરાશ થઈને બેસવાની જગ્યાએ દોડીને પોતાનું વજન ઓછું કરવું જોઈએ. મારી દીકરી તનિષ્કાએ જિનિયસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં ૩૬ કલાક નૉન-સ્ટૉપ સ્કેટિંગ કરીને પોતાનું નામ નોંધાવ્યું છે.’

mumbai news mumbai marathon