મંત્રાલયમાં એક પૉલિટિકલ પાર્ટીના કાર્યકર્તાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

08 January, 2019 09:37 AM IST  |  | Mamta Padia

મંત્રાલયમાં એક પૉલિટિકલ પાર્ટીના કાર્યકર્તાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

મેરી બાત સુનો : મંત્રાલયમાં ગઈ કાલે ૪૦ વર્ષના યુવાને છઠ્ઠા માળેથી છલાંગ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદ્નસીબે સુરક્ષાજાળીને લીધે તે બચી ગયો હતો.

ખેડૂતોની આત્મહત્યા નથી અટકતી ત્યાં સુધી પ્રધાનોએ સરકારી બંગલામાં રહેવુ નહીં એવી માગણીના બૅનર સાથે મંત્રાલયમાં ગઈ કાલે ઓછી જાણીતી પૉલિટિકલ પાર્ટી પ્રજાસત્તાક ભારત પાર્ટીના યુવા કાર્યકર્તા લક્ષ્મણ ચવાણે છઠ્ઠા માળેથી છલાંગ મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પહેલાંના અનુભવોને કારણે મંત્રાલયમાં લગાવવામાં આવેલી સુરક્ષાજાળીને પગલે તેનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. જોકે મંત્રાલયના છઠ્ઠા માળેથી તેણે ઝંપલાવતાં અડધો કલાક ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી.

ફાયર-બ્રિગેડના જવાનોએ તેને નીચે ઉતાર્યો હતો.

ખેડૂતોનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવાની માગણી કરવા માટે તે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા આવ્યો હતો એમ જણાવીને મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શિવાજી ફડતરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનને ન મળી શકતાં તેણે છઠ્ઠા માળેથી ઝંપલાવ્યું હતું. લક્ષ્મણ ચવાણ છઠ્ઠા માળે ગયો હતો. તેના હાથમાં એક બૅનર હતું. તે ખેડૂતોની આત્મહત્યાના પ્રશ્નની ગંભીરતાની રજૂઆત કરવા આવ્યો હતો, પરંતુ અચાનક છઠ્ઠા માળેથી કૂદકો મારતાં મંત્રાલયમાં ગભરાટ ફેલાયો હતો. રાજ્યભરમાંથી આવેલા લોકો, મંત્રાલયના કર્મચારીઓ અને અધિકારીઓ દોડીને પહોંચતાં ત્યાં ભીડ જમા થઈ ગઈ હતી. ફાયર-બ્રિગેડના જવાનની મદદથી તેને મહામહેનતે ઉગારવામાં આવ્યો હતો. અમે તેનું નિવેદન લીધું છે અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.’

આ પણ વાંચો : મુંબઈ : પોલીસને રમાડી પકડાપકડી

આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૮માં મંત્રાલયના છઠ્ઠા માળેથી છલાંગ મારીને એક યુવાને આત્મહત્યા કરી હતી તેમ જ ધર્મા પાટીલે મંત્રાલયમાં ઝેર પીને જીવન ટૂંકાવ્યું હતું. ત્યાર બાદ પ્રશાસન સફાળું જાગ્યું હતું અને મંત્રાલયમાં સુરક્ષાજાળી બિછાવવામાં આવી હતી. આ સુરક્ષાજાળીને પગલે ગઈ કાલે લક્ષ્મણ ચવાણને બચાવી શકાયો હતો.

mantralaya mumbai news