કામાઠીપુરાના બગદાદી કમ્પાઉન્ડમાં ભીષણ આગઃ 8 જણને ઈજા

07 January, 2020 11:48 AM IST  |  Mumbai

કામાઠીપુરાના બગદાદી કમ્પાઉન્ડમાં ભીષણ આગઃ 8 જણને ઈજા

મુંબઈના કામાઠીપુરાના બગદાદી કમ્પાઉન્ડમાં સવારે ૯.૧૫ વાગ્યે લાગેલી આગ સાંજે પાંચ વાગ્યે કાબૂમાં આવી હતી. તસવીરો : સુરેશ કરકરે.

તળ મુંબઈના કામાઠીપુરાના બગદાદી કમ્પાઉન્ડમાં આજે સવારે ૯.૧૫ વાગ્યે ગ્રાઉન્ડ + ૧ મા‍ળના ચિનાઈ બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ૮ જણ ઘાયલ થયા હતા. ઘાયલોને નાયર હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એક સિનિયર સિટિઝનની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું. કલાકોની જહેમત બાદ આખરે પાંચ વાગ્યે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો હતો.

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનાં ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગનું વિકરાળ સ્વરૂપ જોતાં ફાયરબ્રિગેડને લેવલ-૩નો કૉલ અપાયો હતો. ૧૦ જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે મોકલાયાં હતાં. ક્વિક રિસ્પૉન્સ ટીમ અને ઍમ્બ્યુલન્સ પણ મોકલાવાઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાનું ગોડાઉન હતું જ્યારે પહેલા માળે ચામડાની વસ્તુઓનું ગોડાઉન હતું એને કારણે આગ વધુ ભડકી હતી. મકાનમાં કેટલાંક રહેણાક પણ હતાં. ફાયરબ્રિગેડના જવાનોએ ૮ જણને રેસ્ક્યુ કર્યા હતા.

આ પણ વાંચો : મુંબઈગરાના 24 કલાક પાણીના સપના પર પાણી ફરી વળ્યું?

મોટા ભાગના લોકોને ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી તેમને નાયર હૉસ્પિટલ લઈ જવાયા હતા. આગને કારણે મકાનનો કેટલોક જર્જરિત થયેલો ભાગ તૂટી પડ્યો હતો. ૨૫૦૦ સ્ક્વેર ફુટનો વિસ્તાર આગમાં બળીને ખાખ થઈ ગયો છે.

kamathipura mumbai news mumbai