હવે એસએસસી-એચએસસીની પરીક્ષામાં કોઈ નાપાસ નહીં થાય

06 December, 2019 10:46 AM IST  |  Mumbai | Pallavi Smart

હવે એસએસસી-એચએસસીની પરીક્ષામાં કોઈ નાપાસ નહીં થાય

ફાઈલ ફોટો

મહારાષ્ટ્ર સ્ટેટ એજ્યુકેશન બોર્ડની સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (એસએસસી) અને હાયર સેકન્ડરી સર્ટિફિકેટ (એચએસસી)ની પરીક્ષામાં કોઈને નાપાસ કરવામાં નહીં આવે. નાપાસ થનારા ઉમેદવારોની માર્કશીટ્સમાં જુદા માર્ક્સ આપવામાં આવશે. એમાં એલિજિબલ ફૉર સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ લખવામાં આવશે. અગાઉ દસમા ધોરણ માટે આ જોગવાઈ અમલમાં હતી. હવે બારમા ધોરણ માટે પણ અમલી બની છે.

મહારાષ્ટ્ર સરકારના સ્કિલ ઍન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે તાજા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન દ્વારા નવી માર્ગદર્શક સૂચનાઓ (ગાઇડલાઇન્સ) લાગુ કરી છે. ગવર્નમેન્ટ રેઝોલ્યુશનમાં જણાવ્યા મુજબ દરેક વિદ્યાર્થીના જીવનમાં એસએસસી અને એચએસસીની પરીક્ષા સીમાચિહ્નરૂપ હોય છે. એ સ્થિતિમાં તેમનામાં આત્મવિશ્વાસ જળવાઈ રહે અને આવશ્યક કૌશલ્યની તાલીમ મેળવીને આપબળે પોતાના જીવનનું ઘડતર કરી શકે એ માટે ત્રણ કે વધુ વિષયોમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની માર્કશીટ્સમાં નવી ટિપ્પણી લખેલી રહેશે.

એ વિદ્યાર્થીઓ માટે મહારાષ્ટ્ર સ્ટેટ ડિરેક્ટરેટ ઑફ વોકેશન એજ્યુકેશન ઍન્ડ ટ્રેઇનિંગમાં વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સિસમાં ઍડ્મિશન લેવાનો વિકલ્પ ખુલ્લો રહેશે. હાલની પદ્ધતિ મુજબ બે વિષયોમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને એટીકેટી (અલાઉડ ટુ કીપ ટર્મ)ના વિકલ્પનો લાભ મળે છે, પરંતુ બે કરતાં વધારે વિષયોમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાથી તેમણે ફરી પરીક્ષા આપવાની રહે છે. એ વિદ્યાર્થીઓ વ્યાવસાયિક પ્રશિક્ષણ (વોકેશનલ ટ્રેઇનિંગ) લેવા ઇચ્છતા હોય તો એમાં તેમનું આગળનું ભણતર ચાલુ રાખી શકે છે.

આ પણ વાંચો : સવારે ‌રિક્ષા ચલાવીને રાતે ચોરી કરનારની રેલવે પોલીસે કરી ધરપકડ

નવી જોગવાઈ બાબતે મુંબઈ પ્રિન્સિપાલ્સ અસોસિએશનના સચિવ પ્રશાંત રેડીજે જણાવ્યું હતું કે ‘કોઈ પણ વિદ્યાર્થી નાપાસ નહીં થતાં હવે પછી બધી શાળાઓનાં પરિણામો ૧૦૦ ટકા આવશે. અત્યાર સુધી વોકેશનલ ટ્રેઇનિંગનો વિકલ્પ ઉપલબ્ધ નહોતો, પરંતુ હવે એ વિકલ્પ ઉપલબ્ધ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.’

mumbai mumbai news pallavi smart