મુંબઈ લોકલ : મધ્ય રેલવેમાં વગર ટિકિટે પ્રવાસ કરતા ૯૦,૦૦૦ લોકો પકડાયા

05 August, 2021 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મધ્ય રેલવે (CR) દ્વારા લગભગ 90,000 થી વધુ મુસાફરોને ટિકિટ અને યોગ્ય દસ્તાવેજ વિના મુસાફરી કરવા બદલ દંડ ફટકાર્યો છે.

ફાઇલ ફોટો

મધ્ય રેલવે (CR)  દ્વારા લગભગ 90,000 થી વધુ મુસાફરોને ટિકિટ અને યોગ્ય દસ્તાવેજ વિના મુસાફરી કરવા બદલ દંડ ફટકાર્યો છે. જુલાઈમાં મુસાફરો પાસેથી દંડ તરીકે 3.8 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. લોકલ સામાન્ય લોકો માટે બંધ હોવાથી લોકો હવે કંટાળી અને વગર ટિકિટે પ્રવાસ કરી રહ્યા છે. જૂનથી ટિકિટ વગરના મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. જૂનમાં, 62,000 મુસાફરોને દંડ કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી 2.6 કરોડ વસૂલવામાં આવ્યા હતા.

મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ આ સંદર્ભે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “અમે લોકોને વિનંતી કરીએ છીએ કે જેમને રાજ્ય સરકાર દ્વારા લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે તેઓ જ લોકલમાં પ્રવાસ કરે.” નકલી આઈકાર્ડ અને ટિકિટ ટ્રાન્સફર કરી મુસાફરી કરતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે જેમને રસીના બંને ડોઝ મળી ગયા છે તેવા લોકોને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવાની માગણી સતત પ્રવાસી સંગઠનો તરફથી કરવામાં આવી રહી છે. જોકે, મહારાષ્ટ્ર સરકાર તરફથી આ બાબતે કોઈ સકારાત્મક નિર્ણય હજી સુધી લેવાયો નથી. સામાન્ય મુંબઈગરા માટે લોકલ ટ્રેન શરૂ કરવા બાબતે હાલ પ્રવાસી સંગઠનોએ હવે ઇમેઈલ આંદોલન પણ શરૂ કર્યું છે.

mumbai local train central railway