મહિલા ડૉક્ટરનું સ્કૂટર ખાડામાં ફસાયું, પાછળથી ટ્રકે ટક્કર મારતાં મોત

11 October, 2019 11:19 AM IST  |  થાણે

મહિલા ડૉક્ટરનું સ્કૂટર ખાડામાં ફસાયું, પાછળથી ટ્રકે ટક્કર મારતાં મોત

નેહા શેખ

દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાં રસ્તાઓની સ્થિતિ કેટલી બિસમાર છે એ વાતનો અંદાજ આ અકસ્માતની ઘટના પરથી લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે અહીં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને નેતાઓ એક પછી એક બયાનબાજી કરી રહ્યા છે કે તેઓ મુંબઈને સારી સુવિધાઓ આપશે, પણ હકીકત એ છે કે લોકો પ્રશાસનની કંગાળ કામગીરીના કારણે મોતને ભેટી રહ્યા છે.

આ લિસ્ટમાં હવે થાણેની એક ડૉક્ટરનું નામ પણ જોડાયું છે. ભિવંડીમાં રહેતી નેહા શેખ નામની યુવતીનો ખરાબ રસ્તાઓના કારણે અકસ્માત થયો છે. આવતા મહિને નેહાનાં લગ્ન હોવાથી તે તેના ભાઈ સાથે ખરીદી કરીને પાછી ફરી રહી હતી. એ વખતે રસ્તા પરના ખાડાઓને લીધે નેહાના ભાઈએ સમતોલપણું ગુમાવતાં નેહા સ્કૂટર પરથી નીચે પડી ગઈ હતી. તે હજી પોતાનું સંતુલન સંભાળે એ પહેલાં પાછળથી સ્પીડમાં આવતા ટ્રકે તેને ટક્કર મારી અને કચડાઈ જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
૨૩ વર્ષીય ડૉક્ટર યુવતીના મોત માટે પ્રશાસનની બેદરકારીને જવાબદાર ગણાવતાં આદિવાસીઓના હિત માટે કામ કરતી સંસ્થા શ્રમજીવી શેતકરી સંઘઠનના સભ્યો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે રોડ બાંધકામનો કૉન્ટ્રૅક્ટ જેને અપાયો હતો એ કંપની તથા પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ કેસ નોંધી પગલાં ન લેવાય ત્યાં સુધી ટોલબૂથને કામ ન કરવા દેવા શાંતિપૂર્ણ ચળવળ કરવાની ધમકી આપી હતી.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં સંઘઠનના વિન્ગ પ્રેસિડન્ટ પ્રમોદ પવારે જણાવ્યું હતું કે ‘૬૪ કિલોમીટર લાંબો થાણે-ભીવંડી-મનોર રોડ સુપ્રીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બિલ્ટ ઑપરેટ ટ્રાન્સફરના ધોરણે બાંધવામાં આવ્યો છે. હજી આ રોડ પર સ્ટ્રીટ લાઇટ્સ, નાના બ્રિજ અને ડિવાઇડર જેવી અનેક સુવિધાઓ કરવી બાકી છે, પરંતુ તેમણે આ કામ પૂરાં કરવા પર ધ્યાન આપવાને સ્થાને ટોલ વસૂલવાની શરૂઆત કરી દીધી છે જે સદંતર ખોટું છે.’

mumbai mumbai news mumbai potholes bhiwandi