મુંબઈ: બે વર્ષમાં 9.18 લાખ ઉંદર માર્યાનો પાલિકાનો દાવો

23 December, 2019 08:44 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: બે વર્ષમાં 9.18 લાખ ઉંદર માર્યાનો પાલિકાનો દાવો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકાએ બે વર્ષમાં ૯.૧૮ લાખ ઉંદર માર્યાં હોવાનો દાવો કર્યો છે. ઉંદર મારવાના કૉન્ટ્રૅક્ટ લેતી એજન્સી પાલિકાના ૨૪માંથી ૧૦ વૉર્ડમાં કામ કરવા તૈયાર ન હોવા છતાં આ સિદ્ધિ મેળવી હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું છે. પાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૦૧૬ અને ૨૦૧૭માં કુલ ૪.૧૯ લાખ તથા ૨૦૧૮ અને ૨૦૧૯માં ૯.૧૮ લાખ ઉંદર માર્યાં હતાં. પ્લેગ અને લૅપ્ટોસ્પાઇરોસિસ જેવી બીમારી માટે ઉંદરો કારણભૂત હોવાથી મહાનગરપાલિકાના ઇન્સેક્ટિસાઇડ ડિપાર્ટમેન્ટે વ્યાપક ધોરણે આ કામગીરી શરૂ કરી હતી.

શહેરમાં ઉંદરોના વસ્તીનિયંત્રણની જવાબદારી ધરાવતા મહાનગરપાલિકાના ઇન્સેક્ટિસાઇડ ઑફિસર રંજન નારિંગ્રેકરે જણાવ્યું હતું કે ‘રાતે ઉંદર મારવાની કામગીરી કરનાર લોકો નોંધપાત્ર સંખ્યામાં અમારી પાસે હતા, પરંતુ સ્ટાફની તંગીને કારણે હવે રાતનાં રેટ કિલિંગ ઑપરેશન ઘટી ગયાં છે. મહાનગરપાલિકાએ ૨૦૧૭માં ૬ વૉર્ડમાં ૧૧ મહિના માટે પ્રાઇવેટ એજન્સીને કૉન્ટ્રૅક્ટ પર એ કામ સોંપ્યું હતું. ૨૦૧૮માં ૯ વૉર્ડમાં અને ૨૦૧૯માં ૧૪ વૉર્ડમાં એ કામગીરી વિસ્તારવામાં આવી હતી.’

રંજન નારિંગ્રેકરે જણાવ્યું હતું કે ‘ઉંદર મારવાની કામગીરી મધરાતે શરૂ કરવામાં આવે છે, કારણ કે સાવ અંધારું અને સૂમસામ વાતાવરણ હોવાથી ઉંદરો ટૉર્ચના પ્રકાશ તરફ આકર્ષાય છે. ટૉર્ચનો પ્રકાશ જોઈને ઉંદર બહાર આવે ત્યારે એને લાકડી મારીને ખતમ કરવામાં આવે છે, પરંતુ ઉપનગરોમાં રાતે ભરપૂર પ્રકાશ રહેતો હોવાથી ઉંદરોને શોધવા અને મારવાનું કામ અઘરું બને છે. એથી એજન્સીઓ પરાંમાં કામ કરવા તૈયાર હોતી નથી.

આ પણ વાંચો : મહાનગરપાલિકાની હૉસ્પિટલોમાં વધારાશે આઇસીયુ બેડની સંખ્યા

જે વૉર્ડમાં એજન્સી કામ ન કરે ત્યાં મહાનગરપાલિકા પોતાની રીતે મર્યાદિત પ્રમાણમાં ઉંદર મારવાની કામગીરી કરે છે. ઉંદરોનું દૂષણ આખા મુંબઈમાં હોવા છતાં એજન્સી મુખ્યત્વે દક્ષિણ મુંબઈમાં સક્રિય છે. પૂર્વનાં પરાં, દક્ષિણ મુંબઈ, બાંદરા, ખાર અને સાંતાક્રુઝમાં ઉંદર મારનારી પ્રાઇવેટ એજન્સી સક્રિય છે. તળમુંબઈમાં ભીંડીબજાર, ગિરગામ અને ભાયખલામાં તથા પશ્ચિમનાં પરાંઓમાં વિલે પાર્લેથી દહિસર સુધી પ્રાઇવેટ એજન્સીની સેવા ઉપલબ્ધ નથી.’

brihanmumbai municipal corporation mumbai news