કબૂતર જા... જા... જા... વરલીનું કબૂતરખાનું પણ બીએમસીએ કર્યું સીલ

01 January, 2020 02:12 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

કબૂતર જા... જા... જા... વરલીનું કબૂતરખાનું પણ બીએમસીએ કર્યું સીલ

વરલીમાં બૉમ્બે ડાઇંગ પાસેના કબૂતરખાનાને બીએમસીએ સીલ કરીને ત્યાં માર્શલ તહેનાત કર્યા છે.

મુંબઈમાં આવેલાં વર્ષોજૂના કબૂતરખાનાં એક પછી એક બંધ કરવામાં આવી રહ્યાં છે. ગોવાલિયા ટૅન્ક, ખાર અને હવે વર્ષોજૂના પ્રભાદેવી સ્ટેશન પાસેના વરલીમાં બૉમ્બે ડાઇંગ પાસેના કબૂતરખાનાને પણ બીએમસીએ સીલ કરીને સિક્યૉરિટી ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. એક બાજુએ બીએમસીએ આ વિષય પર કડક વલણ અપનાવીને પોલીસને પણ ચાંપતી નજર રાખવાનું જણાવ્યું છે ત્યારે અમુક કબૂતરખાના પાસે રીતસરના સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવ્યા છે. બીજી બાજુ જીવદયાપ્રેમીઓ પ્રશાસન દ્વારા લેવાઈ રહેલા આ પગલાને કારણે રોષે ભરાયા છે.

કબૂતરખાનાને વર્ષોથી સંભાળનાર સંઘો શું કહે છે?

વરલીના કબૂતરખાનાની છેલ્લાં ૨૮ વર્ષથી દેખભાળ રાખનાર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દીપક બજાર જૈન સંઘના સભ્ય દિલીપ જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જીવદયાપ્રેમીઓ વર્ષોથી અહીં કબૂતરને ચણ આપે છે અને અમુક લોકોનું તો રૂટીન જ છે કે ઑફિસ, મંદિર કે દેરાસર જતાં પહેલાં અહીં ચણ નાખતા જાય, પરંતુ અચાનક બીમએસી અહીં આવીને ચારેય બાજુ કવર કરીને કપડું મારી ગઈ છે એટલું જ નહીં ત્યાં સવારે લગભગ ૯થી બપોરે ૧ વાગ્યા સુધી માર્શલ પણ બેસાડ્યા છે જેઓ ચણ ખવડાવનાર પાસેથી ફાઇન લે છે. અહીં દરરોજ ત્રણેક હજાર કબૂતરો ચણ ખાતાં હતાં, પરંતુ એ બંધ થઈ જતાં અહીં ૬ કબૂતર મરી ગયાં છે.’

બીએમસી શું કહે છે?

આ વિશે ખાર-વેસ્ટ ‘એચ’ વૉર્ડના મ્યુનિસિપલ અસિસ્ટન્ટ કમિશનર વિનય વીસપુતેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જે જગ્યાએ આ પ્રવૃત્તિ હાથ ધરાઈ રહી હતી ત્યાં એ પ્રવૃત્તિ કરવું અલાઉડનથી. એ જગ્યા ટ્રાફિક આઇલૅન્ડ કરીને સંસ્થાને અપાયું છે એથી આ પ્રવૃત્તિ ત્યાં કરી શકાય એમ છે જ નહીં. દરેક પોલીસ સ્ટેશનમાં આ વિશે જાણ પણ કરવામાં આવી છે કે આવી જગ્યાએ પોલીસ તેમની ખાસ નિગરાણી રાખે તેમ જ આવી કમર્શિયલ ઍક્ટિવિટી સામે પબ્લિક ન્યુસન્સ તરીકે એક એફઆઇઆર પણ કરવામાં આવ્યો છે. આવી જગ્યાએ બીએમસીએ માર્શલ પણ બેસાડ્યા છે જે આ પ્રવૃત્તિ થતી અટકાવે છે. એથી બીએમસી દ્વારા કાર્યવાહી કરીને આ જગ્યા બંધ કરાય છે અને હવે એમ જ રહેશે.’

વેટરિનરી ડૉક્ટર શું કહે છે?

આ વિશે વેટરિનરી ડૉક્ટર અને અનેક સંસ્થાઓને મદદ કરનાર ડૉ. એકતા ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કબૂતરખાના રેસિડેન્શિયલ પરિસરમાં આઇડિયલી ન હોવાં જોઈએ, કારણ કે એનાથી મનુષ્યજીવોને અનેક ગંભીર બીમારી થઈ શકે છે. લન્ગ્સની સમસ્યા, ઍલર્જી, સ્કિન પ્રૉબ્લેમ જેવી અનેક ગંભીર સમસ્યા ઊભી થઈ શકે એમ છે એથી ગામમાં કેવી રીતે ગામ પૂરું થાય ત્યાં ચબૂતરો રાખવામાં આવે છે એ રીતે અહીં પણ હોવું જોઈએ, પરંતુ રેસિડેન્શિયલ પરિસરમાં તો નહીં.’

worli mumbai mumbai news