ઘાટકોપરની સોસાયટીએ સોલર સિસ્ટમ દ્વારા વીજ બિલની કરી 100 ટકા બચત

17 October, 2019 08:05 AM IST  |  ઘાટકોપર | જયદીપ ગણાત્રા

ઘાટકોપરની સોસાયટીએ સોલર સિસ્ટમ દ્વારા વીજ બિલની કરી 100 ટકા બચત

ઘાટકોપરની રાજી સોસાયટીના રહેવાસીઓ.

ઘાટકોપર પૂર્વમાં આવેલી ૧૧ માળની સોસાયટીએ હરિત ક્રાંતિને જન્મ આપ્યો હતો. સોસાયટીની ટેરેસ પર સોલર સિસ્ટમ બેસાડીને ૧૦૦ ટકા વીજળીના બિલની બચત કરીને વીજળી અને પૈસા બન્નેની બચત કરી હતી.

ઘાટકોપર પૂર્વમાં આવેલી રાજી સોસાયટીએ પાવર પ્લાન્ટ બેસાડ્યો એ પહેલાં તેઓનું અંદાજિત બિલ ૩૦,૦૦૦ રૂપિયા આવતું હતું, પણ માર્ચ મહિનામાં સોલર પ્લાન્ટ બેસાડ્યા પછી આ સોસાયટી માત્ર ૪૦૦થી ૫૦૦ રૂપિયા સુધીનું મીટર ચાર્જ ચૂકવે છે.

રાજી સોસાયટીમાં ૪૫ ફ્લૅટ છે અને ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં બોલાવવામાં આવેલી એજીએમમાં આ સોસાયટીના ફ્લૅટધારકોએ વીજળીના તોતિંગ બિલની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સોલર પ્લાન્ટ બેસાડવાનો નિર્ણય કર્યો હતો. સોસાયટીના સેક્રેટરી દિવ્યેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીએ દેશમાં અનેક અભિયાનો ચલાવ્યાં છે, જેમાંનો એક સોલર પ્લાન્ટ દ્વારા વીજળી બચાવવાનો છે. સૉલર પ્લાન્ટ બેસાડીને વીજળી બચાવનારને સરકારે ૩૦ ટકા સબસિડીની જાહેરાત કરી છે. આને કારણે અમે ગયા વર્ષે સૉલાર પ્લાન્ટ બેસાડવાનું નક્કી કર્યું હતું. આ માટે અમે સોલર પ્લાન્ટ બેસાડતી કંપનીનો સંપર્ક સાધ્યો હતો અને ફેબ્રુઆરીમાં કામ શરૂ કરાવ્યું હતું. અમારી સોસાયટીને જે ૩૦,૦૦૦ રૂપિયાનું બિલ આવતું હતું તે હવે ઘટીને માત્ર ૪૦૦થી ૫૦૦ રૂપિયા સુધી આવવા લાગ્યું છે.’
સોસાયટીના ચૅરમૅન બળવંત મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્લાન્ટ બેસાડવા માટે ૧૨.૫૦ લાખ રૂપિયાનો ખર્ચો હતો અને અમારી સોસાયટી પાસે એટલું ભંડોળ પડ્યું હતું. સોલર પ્લાન્ટ બેસાડવા માટે સોસાયટીના તમામ સભ્યો સહમત થયા હતા. આ પ્લાન્ટ બેસાડવા માટે સરકાર જે સબસિડી આપે છે તે માટેની પ્રક્રિયા સોલર બેસાડનાર કંપનીએ જ કરી આપી હતી.’

માર્ચ મહિનામાં સોસાયટીની ટેરેસ પર ૨૨૦૦ સ્કે. ફુટના વિસ્તારમાં ૬૮ પેનલ સાથેનો ૨૨.૧ કિલો-વોટ પાવરનો ફોટોવોલેટિક પ્લાન્ટ બેસાડવામાં આવ્યો હતો. આ પ્લાન્ટને કારણે સોસાયટીની લૉબી સહિત કૉમન વિસ્તારની, સ્ટેરકેસની, લિફ્ટ તેમ જ વૉટર પમ્પ માટે વપરાશમાં લેવાતી વીજળીની બચત થઈ શકી હતી.

સોલર પ્લાન્ટ બેસાડનાર અનિમેષ માણેકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજી હાઉસિંગ કૉ-ઑપરેટિવ સોસાયટીએ સોલર પ્લાન્ટ બેસાડવા માટે અમને ફેબ્રુઆરી મહિનામાં ઓર્ડર આપ્યો હતો. સામાન્ય રીતે સોલર પ્લાન્ટ બેસાડનારને સરકાર તરફથી ૩૦ ટકાની સબસિડી મળતી હોય છે. અમારી કંપની ગવર્મેન્ટ રજિસ્ટર્ડ કંપની છે અને જે કોઈ સોસાયટીએ સોલર પ્લાન્ટ બેસાડવો હોય તેની વિગત અમે સરકારને મોકલીએ છીએ. તેમના અપ્રુવલ બાદ અમે કામ હાથ ધરીએ છીએ. ફેબ્રુઆરીમાં કામ હાથ ધરીને અમે માર્ચ મહિનાની ૧૫ તારીખે સોલર પ્લાન્ટ બેસાડી દીધો હતો. રાજી સોસાયટીમાં દર મહિને ૨૮,૫૦૦ યુનિટ વીજળીનો વપરાશ થતો હતો. સોલર પ્લાન્ટ બેસાડવાથી તેઓ દર વર્ષે અંદાજે ૪.૨૪ લાખ બચાવી શકશે.

આ પણ વાંચો : સ્વચ્છતામાં બેદરકારી બદલ મહાનગરપાલિકાએ મંત્રાલયને ફટકારી નોટિસ

રાજી સોસાયટીને વીજળીનું જે તોતિંગ ૩૦,૦૦૦ જેટલું બિલ આવતું હતું તે હવે માત્ર ૪૦૦થી ૫૦૦ આવવા લાગ્યું છે. સોલર પ્લાન્ટને કારણે દેશમાં વીજળીની બચત તો શક્ય છે જ સાથે સાથે વીજળીના વપરાશથી કાર્બન-ડાયોક્સાઈડને કારણે જે પ્રદૂષણ ફેલાતું હોય છે તે પણ ઓછું થાય છે. હરિત ક્રાંતિના પથ પર પગલું રાખીને રાજી સોસાયટીના સભ્યોએ એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

mumbai news mumbai ghatkopar