વિરારમાં લોકોનો આક્રોશ તૂટેલા ડિવાઇડર પર ફૉર સેલનાં સ્ટિકર ચોંટાડ્યાં

11 January, 2020 12:34 PM IST  |  Mumbai

વિરારમાં લોકોનો આક્રોશ તૂટેલા ડિવાઇડર પર ફૉર સેલનાં સ્ટિકર ચોંટાડ્યાં

વિરારમાં રસ્તા પર પડેલાં તૂટેલાં ડિવાઇડરના ભાગ પર ‘ફૉર સેલ’નાં સ્ટિકર લગાડીને લોકોએ વિરોધ દર્શાવ્યો હતો.

વિરાર-ઈસ્ટમાં આવેલા ચંદનસાર વિસ્તારમાં રોષે ભરાયેલા અમુક સ્થાનિક લોકોએ પોતાનો વિરોધ કંઈક અનોખી રીતે દાખવ્યો છે. સ્થાનિક લોકોએ તૂટેલા કૉન્ક્રીટ ડિવાઇડર પર ‘ફૉર સેલ - કૉન્ટૅક્ટ વીવીએમસી’ લખેલાં સ્ટિકર ચોંટાડેલાં જોવા મળ્યાં હતાં. આ સ્ટિકર ચોંટાડેલાં જોતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે અમુક સ્થાનિક લોકોએ છેલ્લા લાંબા સમયથી તૂટેલા ડિવાઇડરને રિપેર કર્યાં નથી. વસઈ-વિરાર મહાનગરપાલિકા અને જાહેર બાંધકામ વિભાગ દ્વારા દાખવવામાં આવેલી ઉદાસીનતાનો વિરોધ આ રીતે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ તૂટેલાં ડિવાઇડરને કારણે વાહનચાલકોએ અકસ્માતનો ભોગ બનવું પડે છે અને એમાં ખાસ કરીને રાતના સમયે.

આ તૂટેલાં ડિવાઇડર વિરાર-ઈસ્ટના ચંદનસાર વિસ્તારમાં છે જે રસ્તો વાહનચાલકો માટે મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે. અહીંના સ્થાનિક રહેવાસી ધરમશીર ખારેએ જણાવ્યું હતું કે ‘ડિવાઇડર ગ્રે રંગમાં છે અને એ રસ્તાની મુખ્ય બાજુએ છે જે વાહનચાલકો માટે ભારે જોખમભર્યું સાબિત થઈ રહ્યું છે. દર અઠવાડિયે તૂટેલા ડિવાઇડરના ભાગને કારણે અકસ્માત થાય છે, કારણ કે આ વિરાર-ચાંદનસર રસ્તાની બરાબર વચ્ચે મૂકેલાં છે. રાતના સમયે વાહનચાલકો તૂટેલાં ડિવાઇડર્સ જોઈ શકતા નથી અને સ્ટ્રીટલાઇટમાં ખામી સર્જાતાં વાહનચાલકો માટે અકસ્માતને આમંત્રણ આપવા જેવી પરિસ્થિતિ સર્જાય છે. એ ઉપરાંત નૅશનલ હાઇવે નજીક હોવાથી દિવસમાં પણ આ પરિસરમાં ભારે ટ્રાફિક હોય છે.’

અન્ય એક રહેવાસી સંતોષ ચવાણના કહેવા પ્રમાણે ‘તૂટેલા ડિવાઇડરના ભાગ રસ્તા પર પડેલા હોવા છતાં વસઈ-વિરાર મહાનગરપાલિકા દ્વારા આ વિશે ઉદાસીનતા દેખાડવામાં આવી રહી હોવાથી એનો વિરોધ કરવા માટે અને અધિકારીઓનું ધ્યાન આકર્ષિત થાય એ માટે સ્થાનિક લોકોએ તૂટેલાં ડિવાઇડર્સ પર ‘ફૉર સેલ’ લખેલાં સ્ટિકર ચોંટાડ્યાં છે. તૂટેલા ડિવાઇડર પર ‘ફૉર સેલ’ લખેલાં સ્ટિકર ચોંટાડીને મહાનગરપાલિકાને ઝડપી કાર્યવાહી કરવાનું યાદ અપાવવા માગીએ છીએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ટાળી શકાય. અહીંથી મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વૅન પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે.’

વસઈ-વિરાર મહાનગરપાલિકા શું કહે છે?

વસઈ-વિરાર મહાનગરપાલિકાના એન્જિનિયર રાજેન્દ્ર લાડના કહેવા પ્રમાણે ‘ચંદનસારમાં થોડાં તૂટેલાં ડિવાઇડર છે. જોકે એ પીડબ્લ્યુડીનો દોષ છે, કારણ કે તેમણે રસ્તો બનાવ્યો હતો અને વસઈ-વિરાર મહાનગરપાલિકા ફક્ત રસ્તાને મેઇન્ટેન કરે છે. જોકે ભૂતકાળમાં અમે ઘણાં તૂટેલાં ડિવાઇડર્સ બદલ્યાં છે, પરંતુ ભારે ટ્રાફિક અને બેદરકાર વાહનચાલકોને કારણે ડિવાઇડર તૂટી જાય છે છતાં અમે ટૂંક સમયમાં તૂટેલાં ડિવાઇડર્સને ફરીથી બદલીશું, જેથી દુર્ઘટના ટાળી શકાય.’

mumbai news mumbai virar