ડ્રાઇવરે ચાલતી કારે દરવાજો ખોલતાં બાઇકર ઈજાગ્રસ્ત

15 November, 2019 12:59 PM IST  |  | Anurag Kamble

ડ્રાઇવરે ચાલતી કારે દરવાજો ખોલતાં બાઇકર ઈજાગ્રસ્ત

ઇજાગ્રસ્ત બિલાલ શેખ અને અકસ્માત સર્જનાર કાર (તસવીરઃ આશિષ રાજે)

૧૧ નવેમ્બરે રાતે ૧૦.૩૦ વાગ્યે ૨૭ વર્ષનો બિલાલ શેખ જસલોક હૉસ્પિટલમાં તેના બીમાર પિતાને મળવા માટે જઈ રહ્યો હતો ત્યારે સર્જાયેલા વિચિત્ર અકસ્માતને લીધે શેખને ઈજા થવાની સાથોસાથ આઘાત પણ લાગ્યો હતો.

તાડદેવ પોલીસે દક્ષિણ મુંબઈના ૨૦ વર્ષના યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ યુવકે હીરા-પન્ના ખાતે તેની કારનો દરવાજો ખોલતાં બરાબર એ જ સમયે ત્યાંથી બુલેટ પર પસાર થઈ રહેલો ૨૭ વર્ષનો બિલાલ શેખ બુલેટ પરથી પડી ગયો હતો. આ અકસ્માતમાં કૉલરબોનમાં ફ્રૅક્ચર આવ્યું હતું અને કાન નજીક ટાંકા લેવા પડ્યા હતા.

જોકે આરોપી તેના ઘરેથી ભાગી છૂટતાં પોલીસ હજી સુધી તેની ધરપકડ કરી શકી નથી.

બિલાલ શેખ નાગપાડાના બેલાસિસ માર્ગ ખાતે રહે છે. એક મીઠાઈની કંપની માટે માર્કેટિંગનું કામ કરતો બિલાલ ઑફિસમાં કામ કર્યા બાદ દરરોજ રાતે હૉસ્પિટલમાં ઍડ્મિટ પિતા પાસે રાત રોકાતો હતો. ૧૧ નવેમ્બરે રાતે ૧૦.૩૦ વાગ્યે જ્યારે તે બાઇક પર હૉસ્પિટલ જતો હતો ત્યારે હીરા-પન્ના માર્કેટ પાસેથી પસાર થતાં નજીકમાંથી પસાર થઈ રહેલી હૉન્ડા સિટી કારના ડ્રાઇવરે અચાનક દરવાજો ખોલ્યો હતો.

‘ઘટના એટલી ઝડપથી બની હતી કે હું મારી બાઇકને કન્ટ્રોલ ન કરી શક્યો. હું માર્ગ પર પડી ગયો. સદ્ભાગ્યે મારી પાછળ બીજું કોઈ વાહન નહોતું. ૧૦-૧૫ મિનિટ સુધી તો હું એ જ ન સમજી શક્યો કે મારી સાથે શું થયું,’ એમ ભારે પીડાનો અનુભવ કરી રહેલા બિલાલે જણાવ્યું હતું.

તાડદેવના સિનિયર ઇન્સ્પેક્ટર ફિરોઝ બાગવાને જણાવ્યું કે ફરિયાદ અનુસાર અમે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેની વિરુદ્ધ આઇપીસીની કલમ ૨૭૯, ૩૩૮ અને મોટર વેહિકલ ઍક્ટ ૧૯૮૮ની વિવિધ કલમો લગાવવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રશાંત બિલ્ડિંગનો રહેવાસી દર્શિલ શાહ ઘરેથી નાસી છૂટ્યો છે. પોલીસની ટીમ તેના ઘરે ગઈ હતી, પરંતુ તે ઘરમાં હાજર નહોતો.

haji ali dargah south mumbai jaslok hospital mumbai crime news mumbai news tardeo