મુંબઈ: દિવાળીની ઉજવણી વરસાદમાં કરવી પડશે

24 October, 2019 10:34 AM IST  |  મુંબઈ

મુંબઈ: દિવાળીની ઉજવણી વરસાદમાં કરવી પડશે

મુંબઈ તરફ વધી રહેલા સાઈક્લોનની ગઈ કાલે સેટેલાઈટથી લેવાયેલી ઈમેજ.

આજથી શરૂ થઈ રહેલા હિન્દુઓના સૌથી મોટા પર્વ દિવાળીની ખરીદીથી માંડીને વિવિધ તૈયારીઓમાં સૌ લાગી ગયા છે ત્યારે બધાનો ઉત્સાહ ઠંડો પડી જાય એવા સમાચાર છે. આવતી કાલથી આગામી ત્રણ દિવસ સુધી મુંબઈ સહિત આસપાસ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતાને લીધે એ દિવાળીની મજા બગાડે એવી શક્યતા છે.

અરબી સમુદ્રમાં બંગાળના ઉપસાગરમાં નિર્માણ થયેલા હળવા દબાણને લીધે છેલ્લાં કેટલાક દિવસથી મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવે આ હળવા દબાણે સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરી લીધું હોવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

આવતી કાલે આ સાયક્લોન પૂર્વ, ઉત્તર-પૂર્વ એટલે કે મહારાષ્ટ્રની દિશામાં સરકી રહ્યું છે. આથી વાતાવરણમાં આવેલા અચાનક બદલાવને લીધે કમોસમી વરસાદના પ્રમાણમાં વધારો થઈ શકે છે. આને પગલે આવતી કાલે રત્નાગિરિ જિલ્લામાં રેડ અલર્ટ જારી કરવામાં આવી છે. આ સ્થિતિને લીધે મુંબઈગરાઓએ દિવાળીની ઉજવણી ગુલાબી ઠંડીને બદલે વરસાદમાં કરવી પડશે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અત્યારે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવાઈ રહ્યો છે. દરરોજ સાંજે કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ સ્થિતિ અરબી સમુદ્ર અને બંગાળના દરિયા, એમ બન્ને સ્થળે હળવું દબાણ ઊભું થયું હોવાથી પેદા થઈ છે.

આજે કોંકણ, ગોવામાં કેટલેક સ્થળે જોરદાર વરસાદ પડી શકે છે. રાજ્યના દરિયાકિનારા પરના વિસ્તારમાં સૂસવાટાભેર પવન રહેશે. આ વિસ્તારોમાં આવતી કાલે અતિવૃષ્ટી થવાની શક્યતા છે.

હવામાનમાં આવેલા આ ફેરફારને લીધે મુંબઈ સહિત કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં વરસાદ પડશે તો દિવાળીના સમયે વરસાદની સાથે ઠંડીનો પણ અનુભવ થશે. સાયક્લોનને લીધે ૨૭ ઑક્ટોબર સુધી એટલે કે દિવાળીના દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે.

arabian sea mumbai news mumbai