લંડન-આઇ જેવું જ મુંબઈ-આઇ બનાવાશે

16 January, 2020 07:58 AM IST  |  Mumbai | Dharmendra Jore

લંડન-આઇ જેવું જ મુંબઈ-આઇ બનાવાશે

લંડન-આઇ

મહારાષ્ટ્રની કૅબિનેટે ગઈ કાલે બાંદરા-વરલી સી-લિન્ક નજીક લંડન-આઇ જેવું જ મોટું ચકડોળ બનાવવાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. લંડન-આઇની જેમ જ આ ચકડોળને મુંબઈ-આઇ નામ આપવામાં આવશે એવી જાહેરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મહા વિકાસ આઘાડીના પ્રધાનોને સાપ્તાહિક મીટિંગ બાદ કરી હતી.

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ઘણા લાંબા સમયથી દેશની આર્થિક રાજધાનીમાં વિહંગાવલોકન કરી શકાય એવું સ્થાપત્ય બાંધવાનું તેમનું સ્વપ્ન હતું. શિવસેનાએ પણ બીએમસીમાં આ પ્રકારની દરખાસ્ત રજૂ કરી હતી તથા કૉર્પોરેટર્સ સમક્ષ આ દરખાસ્ત માટેનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે બીએમસી પણ આ પ્રકારનું સ્મારક ઊભું કરવામાં રસ ધરાવતી હતી.

સરકારનાં સૂત્રોએ જણાવ્યા મુજબ ટૂંક સમયમાં કૅબિનેટમાં પણ આ ચકડોળની દરખાસ્ત માટે પ્રેઝન્ટેશન આપવામાં આવશે. પ્રેઝન્ટેશન પછી અંતિમ મંજૂરી આપવામાં આવશે, ત્યાર બાદ નિષ્ણાતો સાથે મસલત કરીને એજન્સીને પ્રોજેક્ટ સોંપવા તેમ જ પ્રોજેક્ટનું ભંડોળ નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો : મુંબઈ : ફ્લૅટ ભાડે આપ્યા તો પાછા લઈ લઈશું

ઇન્દુ મિલમાં બંધાનારી આંબેડકરની પ્રતિમાની ઊંચાઈ વધારાશે

દાદરની ઇન્દુ મિલમાં બંધાનારું ડૉક્ટર આંબેડકરનું સ્મારકનું કાર્ય લાંબા સમયથી અટક્યું હતું, પણ હવે આ પૂતળાની ઊંચાઈ અગાઉ મંજૂર કરવામાં આવેલા ૨૫૦ ફીટ કરતાં ૧૦૦ ફીટ વધુ એટલે કે ૩૫૦ ફીટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૅબિનેટે પણ આ સ્મારક માટે ઠરાવાયેલો ખર્ચ અગાઉના ૭૬૩ કરોડથી વધારીને ૧૦૮૦ કરોડ રૂપિયાનો કરવાની મંજૂરી આપી છે. આમ આ સ્થાપત્ય ૧૦૦ ફીટ ઊંચા પ્લૅટફૉર્મ સાથે કુલ ૪૫૦ ફીટનું રહેશે. એમએમઆરડીએ ભંડોળ એકત્ર કરીને ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરશે તેમ જ બદલાયેલી નવી ડિઝાઇન માટે મંજૂરી પણ મેળવશે. રાજ્ય સરકારે પણ એમએમઆરડીએને ફરીથી ભંડોળ આપવાનું વચન આપ્યું છે.

bandra worli sea link ajit pawar dharmendra jore mumbai news mumbai