ગાર્ગાઈ બંધના પ્રકલ્પગ્રસ્તોએ બીએમસીને આપ્યું ગ્રીન સિગ્નલ

16 December, 2019 04:35 PM IST  |  Mumbai | Prajakta Kasale

ગાર્ગાઈ બંધના પ્રકલ્પગ્રસ્તોએ બીએમસીને આપ્યું ગ્રીન સિગ્નલ

ગાર્ગાઈ બંધ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન(બીએમસી)ની મુંબઈ શહેરને પાણીપુરવઠાની ભવિષ્યની જરૂરિયાતો માટે ગાર્ગાઈ નદી પર બંધ બાંધવાની યોજના માટે પ્રકલ્પગ્રસ્ત છ ગામડાંના લોકોએ લીલી ઝંડી આપી છે. પાલઘર જિલ્લામાં વૈતરણા નદીની ઉપનદી ગાર્ગાઈ પર બાંધવામાં આવનારા બંધના જળગ્રાહી વિસ્તારમાં આવતાં છ ગામડાંની ગ્રામસભાએ પ્રકલ્પગ્રસ્તોના પુનર્વસનની યોજના બાબતે સંતોષ વ્યક્ત કરતાં યોજના માટે લેખિત સંમતિ મોકલી છે, તે ઉપરાંત પોલીસની પણ સંમતિ મળી છે.

હવે બીએમસી ગામડાંનો અને વ્યક્તિગત મિલકતોનો ડ્રોન સર્વે શરૂ કરશે અને જમીન અધિગ્રહણનું વળતર ચૂકવવાની શરૂઆત કરશે. બીએમસીના તંત્રે સમાંતર રીતે બંધની ડિઝાઇન તૈયાર કરવાનું કામ પણ શરૂ કર્યું છે. બંધનું બાંધકામ બે વર્ષમાં પૂરું થવાનો અંદાજ પાલિકાના તંત્રે દર્શાવ્યો છે.

જંગલ ક્ષેત્ર સહિત ૮૪૯ હૅક્ટરમાં બંધ તથા અન્ય સંબંધિત બાંધકામ કરવામાં આવશે. એ ૮૪૯ હૅક્ટરમાં પાલઘર જિલ્લાના છ ગામડાં ઓંગડા, ખોડાલા, તિલમાલ, પાચઘર, આમલે અને ફણસગાંવનો સમાવેશ છે. એ ગામડાંના ૪૨૬ પ્રકલ્પગ્રસ્ત પરિવારોને વળતર ચૂકવવા સાથે પુનર્વસનની કામગીરી મુંબઈ મહાનગરપલિકાએ પાર પાડવાની રહેશે. પાલિકાની સુધારા સમિતિએ ગયા મહિને ગાર્ગાઈ બંધ માટે જમીન અધિગ્રહણ અર્થે ૧૪૮ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી હતી. ગયા સપ્ટેમ્બર મહિનામાં પાલિકાની સ્થાયી સમિતિએ પર્યાવરણ અને જંગલ ખાતાની તથા પાલઘર જિલ્લાના કલેક્ટરની પરવાનગી માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિયુક્તિની દરખાસ્તને બહાલી આપી હતી. પાલિકાએ ધરતીકંપની શક્યતાની દૃષ્ટિએ બંધના સ્થળ‌ના અભ્યાસની કામગીરી સેન્ટ્રલ વૉટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશનને સોંપી છે. બંધની ડિઝાઇનનું પરીક્ષણ સેન્ટ્રલ ડૅમ ઓર્ગેનાઇઝેશન કરશે.

mumbai news brihanmumbai municipal corporation