સંજય ગાંધી નૅશનલ પાર્કનું બુકિંગ કરાવવા જતાં 15,330 રૂપિયા ખોયા

05 November, 2019 03:52 PM IST  |  Mumbai | Ranjeet Jadhav

સંજય ગાંધી નૅશનલ પાર્કનું બુકિંગ કરાવવા જતાં 15,330 રૂપિયા ખોયા

પ્રતીકાત્મક તસવીર

બોરીવલી-પૂર્વમાં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં અનેક ઇવેન્ટ અને ટ્રેકિંગ ટ્રેઇલ યોજાતી હોય છે, જેમાં અનેક મુંબઈગરાઓ ભાગ લેતા હોય છે. જો તમે પણ કોઈ ટ્રેકનું બુકિંગ કરાવવાના હો તો ચેતીને રહેજો. ઑનલાઈન પેમેન્ટ કરતી વખતે ગૂગલ પેજ પર આપેલો નંબર ૯૩૩૦૨૭૨૨૬૭ ન વાપરતાં, કારણકે તેનાથી છેતરપિંડી થઈ રહી છે એમ ખુદ સંજય ગાંધી નૅશનલ પાર્ક દ્વારા જ જણાવાયું છે.

દમણમાં રહેતા શૈલેન્દ્ર મિશ્રા સંજય ગાંધી નૅશનલ પાર્કની મુલાકાત લેવા માગતા હતા, તેમણે ગૂગલ પેજ પર સંજય ગાંધી નૅશનલ પાર્ક માટે આપેલા મોબાઈલ નંબર પર લાલ મોટા અક્ષરમાં દર્શાવેલા ૯૩૩૦૨૭૨૨૬૭ ફોન કરતાં તેમને રૂપિયા ૧૫,૩૩૦ રૂપિયા ખોવાનો વારો આવ્યો હતો. શૈલેન્દ્ર મિશ્રાએ ગૂગલ પેજના એ નંબર પર ફોન કર્યા બાદ તેમને બીજા નંબરથી સામો ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ તેમને એક લિન્ક મોકલી હતી અને એ લિન્ક પર ઑનલાઇન પેમેન્ટ કરવા કહ્યું હતું. શૈલેન્દ્ર મિશ્રાએ તેમાંની ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરી હતી. જોકે એ પછી તેમને તેમના અકાઉન્ટમાંથી રૂપિયા ૧૫,૩૩૦ કપાઈ ગયા હોવાનું જાણવા મ‍ળ્યું હતું. આમ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ૨૧ ઑક્ટોબરે તેમણે કસ્તુરબા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : જે. જે. હૉસ્પિટલમાં 15 નવા ઑટોમૅટિક બેડ આવ્યા

એસજીએનપીના ફેસ-બુક પેજ પર અલર્ટ

આ બનાવ વિશે એસજીએનપી ઑથોરિટીને પણ જાણ કરાઈ હતી. એસજીએનપીના ફિલ્ડ ડિરેક્ટર અને ચીફ કન્ઝરવેટર ઑફ ફોરેસ્ટ અનવર અહેમદે કહ્યું હતું કે અમે આ બાબતે કાયદાકીય કાર્યવાહી ચાલુ કરી છે. એટલું જ નહીં અમે અમારા ફેસ બુક પેજ પર પણ લોકોને જાણ કરી છે કે ગૂગલ પેજ પર અપાયેલા એ મોબાઈલ નંબર ૯૩૩૦૨૭૨૨૬૭નો ઉપયોગ ન કરતા, એ બનાવટી નંબર છે. અમારી વેબસાઇટ પર આપેલો ઑફિશ્યલ નંબર ૦૨૨-૨૮૮૬૮૬૮૬ નો જ ઉપયોગ કરવો. જોકે નૅશનલ પાર્ક ઑથોરિટી દ્વારા તેમના ફેસ બુક પેજ પર આ બાબતે જાણ કરી લોકોને અલર્ટ કર્યા બાદ એ બનાવટી નંબર પણ બંધ થઈ ગયો છે. નૅશનલ પાર્ક ઑથોરિટીએ પણ આ બાબતે પોલીસને રજૂઆત કરતાં તપાસ ચાલુ કરાઈ છે.

sanjay gandhi national park facebook google mumbai crime news Crime News