કેવાયસીથી પેટીએમ અકાઉન્ટ ઍક્ટિવ કરાવનારાઓથી સાવધાન!

09 December, 2019 11:59 AM IST  |  Mumbai

કેવાયસીથી પેટીએમ અકાઉન્ટ ઍક્ટિવ કરાવનારાઓથી સાવધાન!

ચીટિંગનો ભોગ બનેલી ગોરેગામની મારવાડી કોરિયોગ્રાફર નિશા માલુ.

આજકાલ મોટા ભાગના લોકો વિવિધ પેમેન્ટ કરવા પેટીએમનો ઉપયોગ કરે છે. અવારનવાર પેટીએમ અકાઉન્ટ બ્લૉક થવાથી લોકો ઝડપથી પોતાનું અકાઉન્ટ ફરી શરૂ કરવા માટેનો કૉલ આવે તો તેઓ કેવાયસીની ડીટેલ આપીને છેતરપિંડીનો ભોગ બને છે. ગોરેગામમાં રહેતી એક મારવાડી કોરિયોગ્રાફરે આવી જ રીતે ચાર દિવસ પહેલાં ૩૪,૪૭૫ રૂપિયા ગુમાવ્યા હતા. તેમણે ગોરેગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યા મુજબ ગોરેગામ (વેસ્ટ)માં સિદ્ધાર્થનગરમાં રહેતી કોરિયોગ્રાફર નિશા માલુને ૪ ડિસેમ્બરે સવારે ૧૧.૩૦ વાગ્યે એક અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો. ફોન કરનારે પેટીએમ અકાઉન્ટ માટે કેવાયસી કરાવવાનું પૂછેલું. એક વર્ષથી પોતાનું પેટીએમ અકાઉન્ટ બંધ હોવાથી નિશાએ હા પાડતાં ફોન કરનારે તેને મોબાઇલમાં Any Desk App ડાઉનલોડ કરવાનું કહ્યું. ત્યાર બાદ પેટીએમથી એમાં ૧૦ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. નિશાએ ૧૦ રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન કરતાં જ તેના બૅન્ક-અકાઉન્ટમાંથી ૧૦,૦૦૦ રૂપિયા કોઈક અજાણી કંપનીમાં ટ્રાન્સફર થઈ જતાં નિશા ચોંકી ઊઠી હતી. તેણે જે નંબર પરથી ફોન આવ્યો હતો એને કૉલ કરીને આ બાબત જણાવતાં તેણે સિસ્ટમમાં પ્રૉબ્લેમ હોવાથી આવું થયું હશે એટલે થોડી વારમાં રૂપિયા પાછા આવી જશે એવું કહ્યું. જોકે એ પછી નિશાના બૅન્ક-અકાઉન્ટમાંથી ૯૫૦૦ રૂપિયા, ૯૯૭૫ રૂપિયા અને ૫૦૦૦ રૂપિયા વિવિધ કંપનીના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ રીતે નિશાના બૅન્ક-અકાઉન્ટમાંથી ૩૪,૪૭૫ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા.

આ પણ વાંચો : મીરા રોડમાં પોલીસે રસ્તામાં કરાવી બારબાળાઓની વિવાદાસ્પદ પરેડ

પોતાની સાથે પેટીએમ કેવાયસી કરાવવાના નામે ચીટિંગ થઈ હોવાની ફરિયાદ નિશા માલુએ ગોરેગામ પોલીસ-સ્ટેશનમાં ૬ ડિસેમ્બરે નોંધાવી હતી. જોકે ચોંકાવનારી વાત એ છે કે નિશાને જે નંબર પરથી કૉલ આવ્યો હતો એ મોબાઇલ નંબર ચાલુ જ છે. નિશાના ભાઈએ આ નંબર પર ફોન કર્યો તો સામેવાળાએ કોઈ પણ જાતના ડર કે સંકોચ વિના કહ્યું કે ‘અમે તમારા રૂપિયા ખાઈ ગયા છીએ.’

Crime News mumbai news goregaon mumbai crime news