શિવસેનાના કાર્યકરોએ કર્યો ફડણવીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

18 November, 2019 02:27 PM IST  |  Mumbai

શિવસેનાના કાર્યકરોએ કર્યો ફડણવીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

શિવાજી પાર્કમાં શિવસેનાના સ્થાપક બાળ ઠાકેરની પુણ્યતિથી દરમ્યાન તેમને શ્રદ્ધાંજલિ આપતા દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે. : તસવીર: આશિષ રાજે.

શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની ગઈ કાલે સાતમી પુણ્યતિથિએ તેમના શિવાજીપાર્ક સ્થિત સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શિવસૈનિકો, સામાન્ય નાગરિકો અને રાજકીય પક્ષોના નેતાઓની કતાર લાગી હતી. જોકે શિવસેનાના અને બીજેપીના નેતાઓએ જુદા-જુદા સમય પસંદ કરીને એકમેકનાં મોઢાં જોવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શિવાજીપાર્કમાં સ્વર્ગસ્થ બાળ ઠાકરેના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપીને બહાર નીકળતા હતા ત્યારે શિવસૈનિકોએ સૂત્રોચ્ચાર કરીને તેમનો હુરિયો બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો.

શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના પુત્ર અને વિધાનસભામાં નવા ચૂંટાયેલા યુવા નેતા આદિત્ય ઠાકરે તથા પરિવારના અન્ય સભ્યો સાથે સવારે સ્મારક પર જઈને હિન્દુ હૃદયસમ્રાટ બાળ ઠાકરેને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શિવસેનાના નેતાઓ સવારે ૧૦થી ૧૨ વાગ્યાના સમયગાળામાં અને દેવેન્દ્ર ફડણવીસ, વિનોદ તાવડે, પંકજા મુંડે તથા બીજેપીના અન્ય નેતાઓ બપોરે ૧ વાગ્યા પછી બાળ ઠાકરેના સ્મારકે પહોંચ્યાં હતાં. એનસીપીના નેતાઓ જયંત પાટીલ અને છગન ભુજબળે પણ શિવાજી પાર્કના સ્મારકે જઈને સદ્ગતને અંજલિ અર્પણ કરી હતી. કૉન્ગ્રેસનો એકેય વરિષ્ઠ નેતા સ્મારકની મુલાકાતે ગયો નહોતરે, પરંતુ કેટલાક નેતાઓએ ટ્‌વિટર પર બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિની પોસ્ટ મૂકી હતી.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્‌વિટર પર બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપતાં તેમનાં કેટલાંક પ્રવચનોની ક્લિપ્સ અપલોડ કરી હતી. એ પ્રવચનમાં બાળ ઠાકરેએ સ્વાભિમાન અને ગૌરવની વાતો કહી હતી. એ સંદર્ભે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘અમને સ્વાભિમાન અને ગૌરવની શિખામણો આપવાની જરૂર નથી. રાજ્યના આગામી મુખ્ય પ્રધાન તો શિવસેનાનો જ બનશે.’

ફડણવીસની સરકારમાં પ્રધાનપદે રહી ચૂકેલા વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ બાળ ઠાકરે શિવસેના અને બીજેપીના ગઠબંધન માટે કુટુંબના વડા સમાન હતા. રાજ્યનાં અન્ય ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડેએ કહ્યું હતું કે બાળાસાહેબની ખોટ સાલે છે.
એનસીપીના પ્રમુખ શરદ પવારે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્‌વિટર પર જણાવ્યું હતું કે ‘બાળાસાહેબે પ્રાદેશિક ગૌરવ ધરાવતા ‘મરાઠી માણૂસ’નું સર્જન કર્યું હતું. તેમણે સમાજને પ્રાથમિકતા આપતા તેમના રાજકારણ દ્વારા અનુયાયીઓનો બિનશરતી અને શાશ્વત પ્રેમ હાંસલ કર્યો હતો. બાળાસાહેબે પ્રભાવશાળી વક્તા તરીકે અને સ્પષ્ટવક્તા સ્વભાવને કારણે ભારે લોકપ્રિયતા મેળવી હતી.’

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ શિવાજીપાર્કમાં સ્વર્ગસ્થ બાળ ઠાકરેના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપીને બહાર નીકળતા હતા ત્યારે શિવસૈનિકોના ‘છત્રપતિ શિવાજી મહારાજ કી જય’ના સૂત્રોચ્ચાર સાથે ફડણવીસના ટેકેદારોએ મરાઠીમાં ‘હું મુખ્ય પ્રધાનપદે પાછો આવીશ’ એવો ઘોષ કર્યો હતો. ફડણવીસ બાળ ઠાકરેના સ્મારક પર પહોંચ્યા ત્યારે ઉદ્ધવ ઠાકરેના અંગત સહાયક મિલિંદ નાર્વેકર સિવાય શિવસેનાના અન્ય કોઈ નેતા ઉપસ્થિત નહોતા.

ફડણવીસ અમને સ્વાભિમાનની શિખામણ ન આપે : સંજય રાઉત

શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર આયોજિત સ્મૃતિ સભામાં પહોંચેલા શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે તેમને કોઈ સ્વાભિમાન અને સમજદારી શું છે એ ન સમજાવે. શિવસેના સમજદારીપૂર્વક સરકાર બનાવશે અને મુખ્ય પ્રધાન પણ શિવસેનાનો જ હશે. ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબને જે વચન આપ્યું હતું એ પૂર્ણ થશે.

સંજય રાઉતે શિવાજી પાર્કમાં આયોજિત સ્મૃતિ સભા દરમ્યાન જણાવ્યું હતું કે હિન્દુત્વ અને સ્વાભિમાન શું છે એ કોઈ અમને ન સમજાવે. તમારે સમજદારીની શિખામણ લેવાની જરૂર છે. તેમણે દાવો કર્યો કે ઉદ્ધવ ઠાકરેએ બાળાસાહેબને જ વચન આપ્યું હતું એ પૂર્ણ થશે. સંજય રાઉત સહિત દિગ્ગજ નેતા શિવાજી પાર્કમાં બાળાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા પહોંચ્યા હતા.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બાળાસાહેબની પુણ્યતિથિ પર ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે બાળાસાહેબે તમામને સ્વાભિમાનનો સંદેશ આપ્યો હતો. એવું લાગી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસે આડકતરી રીતે શિવસેના પર પ્રહાર કર્યો હતો. શિવસેના કૉન્ગ્રેસ અને એનસીપીની સાથે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે.

આગામી બે-ત્રણ દિવસમાં નવી સરકાર બની જશે ઃ એનસીપી નેતા મેમણનો દાવો

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસ વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે એવામાં એનસીપી નેતા માજિદ મેમણે સરકાર રચવાના મુદ્દાને લઈને મહત્ત્વનું નિવેદન કર્યું છે. તેમણે આગામી બે કે ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર સરકાર રચવાનો દાવો કર્યો છે. મીડિયા સાથેની વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું કે આ માટેનાં જરૂરી બધાં જ પાસાં પર સહમતી સાથેના નિર્ણય લેવાઈ ચૂક્યા છે. માત્ર એને સત્તાવાર રીતે સ્વીકાર કરી જાહેર કરવાના બાકી છે. તેમના મુજબ કૉન્ગ્રેસ અધ્યક્ષાં સોનિયા ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અંતિમ નિર્ણય ટૂંક જ સમયમાં લેશે.
જો વર્તમાન સ્થિતિની વાત કરીએ તો આ માટે એનસીપી અને કૉન્ગ્રેસના પ્રમુખની બેઠક યોજાવાની હતી જે શનિવારે મોકૂફ રાખવામાં આવી હતી. મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પછીનો ઘટનાક્રમ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન સુધી પહોંચ્યો હતો. હવે પરિસ્થિતિઓ એવી ઊભી થઈ છે કે મહારાષ્ટ્ર રાજકારણનાં સમીકરણો સંપૂર્ણ રીતે બદલાઈ ચૂક્યાં છે. જ્યાં હવે એક સમયના પરસ્પર સખત વિરોધી રહી ચૂકેલા કૉન્ગ્રેસ અને શિવસેના ગઠબંધનથી જોડાઈ શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

બીજેપી સાથે સંબંધો તોડ્યા પછી શિવસેના સરકાર બનાવવા માટે અન્ય વિકલ્પો પર કામ કરવા લાગી હતી અને હવે ત્રણેય પક્ષો વચ્ચે કૉમન મિનિમમ પ્રોગ્રામ પર પણ સંમતિ થઈ હોવાના સમાચાર છે. માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેની પ્રક્રિયા એના છેલ્લા તબક્કામાં છે. જોકે એનસીપી ચીફ શરદ પવાર અને કૉન્ગ્રેસ અધ્યક્ષાં સોનિયા ગાંધીની મુલાકાત બાકી રહી છે જેમાં આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

shiv sena bharatiya janata party devendra fadnavis uddhav thackeray mumbai news