વિલે પાર્લેમાં આગમાં ત્રણ ઑફિસ ખાખ

23 December, 2019 01:32 PM IST  |  Mumbai

વિલે પાર્લેમાં આગમાં ત્રણ ઑફિસ ખાખ

વિલે પાર્લેમાં આગમાં ત્રણ ઑફિસ ખાખ

શહેરના વિલે પાર્લે (વેસ્ટ)માં બજાજ રોડ પર આવેલી લાભ શ્રીવિલા બિલ્ડિંગના સાતમા અને આઠમા માળે ગઈ કાલે સાંજે મોટી આગ ફાટી નીકળી હતી. આગની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ સાતમા માળે અટવાયેલા ૭ જણને ઉગાર્યા હતા. આગ આઠમા માળની ઑફિસમાં લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ.

ફાયરબ્રિગેડના પ્રવક્તાએ જણાવ્યા મુજબ વિલે પાર્લેમાં બજાજ રોડ પરની ગ્રાઉન્ડ પ્લસ ૧૩ માળની લાભ શ્રીવિલા ઇમારતના ૭ અને ૮મા માળ પર આવેલી ૩ ઑફિસોમાં ગઈ કાલે સાંજે ૭.૧૦ વાગ્યે આગ લાગી હોવાનો કૉલ અમને મળ્યો હતો. ‘એ’-‘બી’ વિન્ગ ધરાવતી આ ઇમારતની ‘એ’ વિન્ગમાં આગ લાગી હતી. આગને કારણે ઉપરના માળે ફસાયેલા ૭ જણને અમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા.’

આ પણ વાંચો : કેન્દ્રનો નાગરિકતા ધારો મુસ્લિમ વિરોધી નથીઃ નીતિન ગડકરી

સામાન્ય રીતે આગ લાગે ત્યારે લોકો નીચેની તરફ કે ઉપરના ભાગમાં જીવ બચાવવા દોડી જાય છે એટલે ફાયર-ઑફિસરો ફાયરબ્રિગેડની સીડીથી બિલ્ડિંગની ટેરેસ પર પહોંચ્યા હતા, જ્યાં કોઈ ફસાયા ન હોવાનું જણાયા બાદ તેમણે ટીમ સાથે મળીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને લીધે સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ હોવાનું પ્રવક્તાએ જણાવ્યું હતું.

vile parle mumbai mumbai news