મુંબઈ: ટિળકનગરમાં બનાવો ફાયર-સ્ટેશન

10 January, 2019 08:23 AM IST  |  | Rohit Parikh

મુંબઈ: ટિળકનગરમાં બનાવો ફાયર-સ્ટેશન

ટિળકનગરની ઓમકાર સોસાયટીના ફ્લૅટમાં લાગેલી ભીષણ આગ. તસવીર : રોહિત પરીખ

ચેમ્બુરના ટિળકનગરમાં ગઈ કાલે સાંજે સાડાછ વાગ્યે બિલ્ડિંગ-નંબર ૫૦ (ઓમકાર સોસાયટી)ની A-વિન્ગમાં બીજા માળે ફ્લૅટ-નંબર ૨૦૪માં ફ્રિજનું કૉમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હતી. જોકે ગુરુવારે ૨૭ ડિસેમ્બરની ટિળકનગરના બિલ્ડિંગ-નંબર ૩૫માં લાગેલી આગના અનુભવે બિલ્ડિંગના રહેવાસીઓની સમયસૂચકતાને કારણે જાનહાનિ થઈ નહોતી. આમ છતાં આ આગથી ફરીથી એક વાર ટિળકનગરની સોસાયટીઓમાં ફાયર-બ્રિગેડ પહોંચવા માટે ખુલ્લા રસ્તા નથી એ વાત પ્રકાશમાં આવી હતી. આની સામે ટિળકનગરના રહેવાસીઓએ આ વિસ્તારમાં ફાયર-બ્રિગેડ સ્ટેશનની માગણી કરી હતી.

આગ કેવી રીતે લાગી?

ફ્લૅટ-નંબર ૨૦૪માં સિનિયર સિટિઝન મરિયમ્મા રાજુ તેની મમ્મી સાથે રહે છે. સાંજના સમય સાડાછની આસપાસ તેના પાડોશીની છોકરી તેને મળવા આવી હતી. એ છોકરીની મરિયમ્માના બેડરૂમમાં રાખેલા ફ્રિજમાંથી નીકળતા ધુમાડા પર નજર ગઈ હતી. તેણે તરત જ રાડારાડી કરી મૂકી હતી. મરિયમ્મા, તેની મમ્મી અને તેના પાડોશીની છોકરી તરત જ ફ્લૅટમાં આગ લાગી છે એમ ચિલ્લાવતાં ભાગવા લાગ્યાં હતાં. થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં મરિયમ્માના બેડરૂમની બધી જ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે ફાયર-બ્રિગેડ સમયસર પહોંચી જવાથી અન્ય ફ્લૅટોને કોઈ જ નુકસાન નહોતું થયું.

રહેવાસીઓની સમયસૂચકતા

આગ લાગી એ જ સમયે ઓમકાર સોસાયટીના સાતમા માળે રહેતા રાજેશ વાઘમારે કે જેઓ ઍર ઇન્ડિયાના સિક્યૉરિટી ઑફિસર છે તેમની નજર ગઈ હતી. એ બાબતની જાણકારી આપતાં રાજેશ વાઘમારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું એ જ સમયે મારા એક કામ માટે નીચે ઊતર્યો હતો. મારી એકદમ નજર બીજા માળેથી નીકળતા ધુમાડા પર ગઈ હતી. તાજેતરમાં જ અમારા વિસ્તારમાં લાગેલી આગમાં થયેલી રહેવાસીઓની ભૂલ મારા મગજમાં જ ચાલતી હતી. એટલે એક ક્ષણ પણ બગાડ્યા વગર પહેલાં નીચેથી સોસાયટીની મેઇન ઇલેક્ટિÿક સ્વિચ બંધ કરી દીધી હતી. પછી A-વિન્ગમાંથી બહાર ભાગોની બૂમાબૂમ કરી હતી. બધાને ટેરેસ ઉપરથી ભાગવા કહ્યું હતું. એ દરમ્યાન સોસાયટીમાં રહેલી ગૅસની પાઈપલાઇનના મેઇન વાલ્વ નીચે ગ્રાઉન્ડમાંથી બંધ કરાવી દીધા હતા. થોડા જ સમયમાં આખી સોસાયટી ખાલી થઈ ગઈ હતી. ત્યાં સુધીમાં આગ ખૂબ જ વધી ગઈ હતી.’

ફાયર-બ્રિગેડને વીસ મિનિટ પછી ફોન

સોસાયટીના રહેવાસીઓએ પોતાના બચવા માટેનાં પગલાં લીધાં, પણ આ સમયમાં જેના ફ્લૅટમાં આગ લાગી હતી એ મરિયમ્માએ કે અન્ય સભ્યોએ ફાયર-બ્રિગેડને કૉલ કરવાની તસદી જ નહોતી લીધી, પરંતુ બાજુના બિલ્ડિંગ-નંબર ૪૯માં કે જે નવી ઇમારત બની રહી છે એના મજૂરોએ આગ જોઈને તરત જ ફાયર-બ્રિગેડને ફોન કર્યો હતો. ચેમ્બુર ફાયર-બ્રિગેડની પાંચ વૅન આગ બુઝાવવા માટે પહોંચી ગઈ હતી.

રોડ પરનાં વાહનો વિલન બન્યાં

ફાયર-બ્રિગેડનાં પાંચ વાહનો પહોંચ્યાં, એમને સોસાયટી સુધી પહોંચવા માટે જગ્યા જ મળી નહીં. સોસાયટી સુધી પહોંચવા માટેનો રસ્તો ખૂબ જ સાંકડો છે અને એમાં પણ ત્યાં વાહનો પાર્ક થયેલાં હતાં. એથી ફાયર-બ્રિગેડે બિલ્ડિંગ-નંબર ૪૮માંથી બચાવકાર્ય કરવું પડ્યું હતું. આ બાબતની માહિતી આપતાં ફાયર-બ્રિગેડના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાં તો આગ લાગ્યા પછી વીસ મિનિટ પછી અમને ફોન કરવામાં આવ્યો હતો. જેના ફ્લૅટમાં આગ લાગી હતી તેણે તેના ફ્લૅટની મેઇન સ્વિચ બંધ કરવાની તસ્દી લીધી નહોતી. ફ્રિજની આસપાસ કપડાંના ઢગલા હતા, જેને લીધે આગ વધી ગઈ હતી. અમે બે કલાક પછી આગ કાબૂમાં લઈ શક્યા હતા. આ વિસ્તારમાં ફાયર-બ્રિગેડને જવા માટે રસ્તા જ નથી.’

નાનાં ફાયર-એક્સ્ટિંગ્વિશર

સોસાયટીમાં આગના સમાચાર ફેલાતાં જ આસપાસના લોકો ભાગીને બચાવકાર્ય માટે દોડી ગયા હતા. તેમણે સોસાયટીમાં રહેલાં નાનાં ફાયર-એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમને અનુભવ ન હોવાથી એક પણ ફાયર-એક્સ્ટિંગ્વિશર આગ બુઝાવવા કામ લાગ્યું નહોતું.

mumbai news chembur tilak nagar