લોકલ હો ના હો: હાર્બર લાઇનમાં ચાલતી ટ્રેનમાંથી પ્રવાસીને ફેંકી દીધો

06 December, 2019 09:58 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

લોકલ હો ના હો: હાર્બર લાઇનમાં ચાલતી ટ્રેનમાંથી પ્રવાસીને ફેંકી દીધો

વિજય ગુપ્તાને બચાવી લેવામાં આવ્યા છે

ગઈ કાલે સવારના ધસારાના સમયે લોકલ ટ્રેનમાં થયેલી જીભાજોડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં એક પ્રવાસીએ સહપ્રવાસીને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધો હતો. ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાયેલી વ્યક્તિનું નામ વિજયરામ ગુપ્તા હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું. ગંભીર ઘાયલ વિજય સાયન હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.

માનખુર્દમાં રહેતા ૩૫ વર્ષના વિજયે માનખુર્દ સ્ટેશનથી ગઈ કાલે સવારે ૯ વાગ્યે સીએસએમટી જતી ટ્રેન પકડી હતી. સવારનો સમય હોવાથી ટ્રેનમાં ભારે ગિરદી હતી, એવામાં વિજય માંડ-માંડ ટ્રેન પકડીને અંદર પ્રવેશ્યો હતો. કુર્લા સ્ટેશન આવતાં પહેલાં અનેક પ્રવાસીઓ ઊતરવાની તૈયારી કરી રહ્યા હતા એ વખતે વિજય અને અન્ય એક પ્રવાસી વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને રોષે ભરાયેલા પ્રવાસીએ વિજયને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો. જોકે બન્ને વચ્ચે કઈ બાબતે વિવાદ થયો હતો એનું કારણ જાણવા મળ્યું નહોતું, પણ ગિરદીમાં ધક્કો લાજતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હોવાની પ્રાથમિક શક્યતા રેલવે પોલીસે વ્યક્ત કરી હતી. આ પ્રકરણમાં વડાલા રેલવે પોલીસે અજાણ્યા પ્રવાસી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સીએસએમટી-પનવેલ લોકલ ટ્રેન દરેક ૧૫૦ સેકન્ડમાં શક્ય

ગઈ કાલે લોકલ ટ્રેનમાં ધસારાના સમયે બે પ્રવાસીઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ રોષે ભરાયેલા પ્રવાસીએ અન્ય પ્રવાસીને ધક્કો મારવાની કમનસીબ ઘટના બની, પણ હાર્બર લાઇનમાં રહેતા નોકરિયા વર્ગ માટે આનંદના સમાચાર છે. મધ્ય રેલવે દર અઢી મિનિટે એક લોકલ ટ્રેન છોડવાનો વિચાર કરી રહી છે એથી મધ્ય રેલવેની હાર્બર લાઇન પર ૪૫૦૦ કુલ લોકલ ફેરી દોડાવવી પડશે. હાલમાં આ માર્ગ પર ૩૦૦૦ લોકલ ફેરી દોડી રહી છે. કમ્યુનિકેશન પર આધારિત ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમ (સીબીટીસી)ની સંપૂર્ણ રીતે અમલબજાવણી શરૂ થયા બાદ આ સર્વિસ શરૂ કરવામાં આવશે. આ સર્વિસ ૨૦૨૩ સુધીમાં શરૂ કરવા બાબતે મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશનની બેઠકમાં નક્કી થયું છે.

kurla central railway mumbai news rajendra aklekar