મુંબઈ: શાલિમાર એક્સપ્રેસમાંથી વિસ્ફોટક મળી આવતાં ખળભળાટ મચ્યો

06 June, 2019 11:31 AM IST  |  મુંબઈ

મુંબઈ: શાલિમાર એક્સપ્રેસમાંથી વિસ્ફોટક મળી આવતાં ખળભળાટ મચ્યો

શાલિમાર એક્સપ્રેસ

મધ્ય રેલવેના લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) પર ઊભેલી શાલિમાર એક્સપ્રેસમાં જિલેટિનની પાંચ સ્ટિક મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. બુધવારે સવારે સાડાનવ વાગ્યે યાર્ડમાં શાલિમાર એક્સપ્રેસ ટ્રેનના ડબાની સાફસફાઈ ચાલી રહી હતી એ સમયે આ વિસ્ફોટક મળી આવ્યા હતા. બૉમ્બ ડિસ્પોઝલ ટુકડીએ બૉમ્બ બનાવવા માટેનો સામાન હોવાની વાતને પુષ્ટિ આપી હોવાથી એને ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો. એલટીટી ખાતે શાલિમાર એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ફોટક મળ્યા હોવાની માહિતી મળતાં જીઆરપીએફ, આરપીએફના જવાન અને બૉમ્બ શોધક ટુકડી દાખલ થઈ હતી. સલામતીના ભાગરૂપે પોલીસે સ્ટેશનવિસ્તારને ખાલી કરાવ્યો હતો.

પાંચ જિલેટિન સ્ટિક ક્યાંથી આવી એની તપાસ પોલીસ કરી રહી છે. મુંબઈ હંમેશાં આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે અને એને કારણે જ કોઈ પણ અઘટિત ઘટના ન ઘટે એ માટે પોલીસે મહત્વના ઠેકાણે સુરક્ષામાં વધારો કર્યો છે. મધ્ય રેલવેના સિક્યૉરિટી કમિશનર અશરફ કે. કે.એ જણાવ્યું હતું કે ‘ઘટનાસ્થળે સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી છે. બૉમ્બ બનાવવા માટે વપરાતા સામાનમાં જિલેટિન સ્ટિક, બૅટરી, રૉકેટ અને ઇલેક્ટ્રિક વાયર મળ્યાં હતાં. પ્રવાસીઓએ અફવા પર વિશ્વાસ રાખવો નહીં.’

ઘટનાસ્થળેથી પત્ર મળ્યો : ‘અમે કોણ છીએ એ બીજેપીને દેખાડી દઈશું’

બુધવારે શાલિમાર એક્સપ્રેસના કોચની સાફસફાઈ ચાલી રહી હતી ત્યારે મળી આવેલા વિસ્ફોટકોની સાથે પોલીસને એક પત્ર પણ મળ્યો હતો જેમાં લખાયું છે કે ‘બીજેપીની સરકારને અમારે દેખાડી દેવું છે કે અમે કોણ છીએ અને શું કરી શકીએ છીએ. અમારો પંજો પડશે ત્યારે શું થઈ શકે છે એ અમારે દેખાડવું છે.’

ઘટનાસ્થળેથી મળી આવેલા પત્ર પરથી કોઈ પણ અનુમાન લગાવવું મુશ્કેલ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : મુંબઈ: પહેલી વખતપુરુષ રૂપે જન્મદિવસ ઊજવ્યો લલિત સાળવેએ

કલકત્તાથી મુંબઈ દરમ્યાનના સીસીટીવી કૅમેરા ચકાસાશે

શાલિમાર એક્સપ્રેસ કલકત્તાથી આવી હોવાથી પોલીસે હવે કલકત્તાથી મુંબઈ દરમ્યાનના તમામ સીસીટીવી કૅમેરા ચકાસવાનો નિર્ણય લીધો છે. સીસીટીવી કૅમેરાના આધારે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news