હિમાલયા બ્રિજ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે: ફડણવીસ

27 June, 2019 12:13 PM IST  |  મુંબઈ | ધર્મેન્દ્ર જોરે

હિમાલયા બ્રિજ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે: ફડણવીસ

CSMT બ્રિજ દુર્ઘટના

કોર્પોરેશનના હેડ-ક્વાર્ટર નજીક સીએસએમટી (હિમાલયા) બ્રિજ તૂટી પડ્યો એ મામલે હવે શહેરમાં પુલોની જાળવણીની જવાબદારી જેમના શિરે છે તે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના ચીફ એન્જિનિયર અને ડેપ્યુટી કમિશનર સામે પણ હવે તપાસ હાથ ધરાશે. પુલોને લગતી તમામ પ્રક્રિયાઓનું ઓડિટિંગ કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ) દ્વારા કરવામાં આવશે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, નિવૃત્ત ચીફ એન્જિનિયર સહિતના ઘણા બીએમસી અધિકારીઓને ૧૪ માર્ચે તૂટી પડેલા પુલ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

જ્યારે વિપક્ષના નેતા ધનંજય મુંડેએ ગૃહમાં પ્રશ્ન પૂછ્યો ત્યારે તેના જવાબમાં ફડણવીસે ખાતરી આપી હતી કે, વર્તમાન ચીફ સેક્રેટરી અને ડેપ્યુટી કમિશનરની ભૂમિકા પણ તપાસવામાં આવશે અને અપરાધી જણાતાં તેમને સજા કરવામાં આવશે.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, પુલના ટેન્ડરિંગ, સ્ટ્રક્ચરલ ઑડિટ અને રિપેરિંગની પ્રક્રિયાઓ જે પાંચ વર્ષથી હાથ ધરાતી હતી તે કૅગ દ્વારા ઑડિટ કરવામાં આવશે.

મુંડેએ જણાવ્યું હતું કે, પ્રશ્ન કેવળ હિમાલયા બ્રિજનો નથી, પણ તેની સાથે મુંબઈના ૧.૫ કરોડ રહેવાસીઓની સલામતીનો મુદ્દો જોડાયેલો છે.

આ પણ વાંચો : વસઈની શૉપમાંથી ૩૦ લાખ રૂપિયાના 234 મોબાઇલની ચોરી

મુંડેએ જણાવ્યું હતું કે, ડીડી દેસાઇ કંપની, કે જે તેની પોતાની ઑફિસ પણ ધરાવતી નથી તેને શા માટે ૮૨ પુલોનું તેમની બંધારણીય ક્ષમતા માટે ઑડિટિંગનું કાર્ય સોંપવામાં આવ્યું? પોલીસ અહેવાલ અનુસાર હિમાલયા બ્રિજની નીચે ઊભા રહીને ઑડિટ કરવામાં આવ્યું હતું.

chhatrapati shivaji terminus devendra fadnavis mumbai news dharmendra jore