નવી મુંબઈની મેટ્રો 2020ના મે મહિના સુધીમાં શરૂ થશે

15 September, 2019 01:58 PM IST  |  મુંબઈ

નવી મુંબઈની મેટ્રો 2020ના મે મહિના સુધીમાં શરૂ થશે

મેટ્રો ટ્રેન

મુંબઈવાસીઓની જેમ નજીકના ભવિષ્યમાં જ નવી મુંબઈના રહેવાસીઓ પણ મેટ્રોમાં પ્રવાસ કરી શકશે. નવી મુંબઈના બેલાપુરથી પેંધર વચ્ચેના ૧૧ કિલોમીટરના મેટ્રો માર્ગની ટ્રાયલ-રન હાલમાં જ સફળતાપૂર્વક પાર પડી હતી. એ અનુસાર હવે રેલવે સુરક્ષા કમિશનર મેટ્રો શરૂ કરવા સંબંધની પરવાનગી આપવાની પ્રક્રિયાને શરૂ કરવામાં આવશે. 

પરવાનગી માટે ઓછામાં ઓછા ત્રણથી ચાર મહિનાનો સમય અપેક્ષિત હોવાથી ત્યાર બાદ મેટ્રોની અંતિમ ટેસ્ટિંગ હાથ ધરીને મે, ૨૦૨૦ સુધીમાં શહેરમાં પહેલી મેટ્રો નવી મુંબઈની સર્વિસમાં દાખલ કરવામાં આવશે એવી માહિતી સિડકોના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. આથી નવી મુંબઈના રહેવાસીઓને મેટ્રોમાં પ્રવાસ કરવા માટે હવે થોડા મહિનાનો ઇંતેજાર કરવાનો રહેશે.

આ પણ વાંચો : આરે બચાવ ઝુંબેશના સૌથી નાના કાર્યકર્તાઓ આદિત્ય ઠાકરેને મળ્યા

નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાની પરિવહન વ્યવસ્થા વિકસિત કરવા માટે સિડકો તરફથી મેટ્રો પ્રોજેક્ટને હાથ ધરવામાં આવ્યો હતો. એ અનુસાર બેલાપુરથી પેંધર વચ્ચેના ૧૧ કિલોમીટરના માર્ગનું બાંધકામ સિડકોએ પૂરું કરી લીધું છે. આ માર્ગમાં ૧૧ મેટ્રો સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માર્ગનું રોલિંગ સ્કોટનું કામ પૂરું થતાં સિડકોએ ટ્રાયલ-રન પણ હાથ ધરી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ટ્રાયલ-રન સફળ થતાં હવે મેટ્રો-સર્વિસ નજીકના ભવિષ્યમાં જ નવી મુંબઈના રહેવાસીઓને પ્રાપ્ત થશે.

navi mumbai mumbai news mumbai metro