MHADA : ફ્લૅટ ભાડે આપ્યા તો પાછા લઈ લઈશું

16 January, 2020 08:41 AM IST  |  Mumbai | Prajakta Kasale

MHADA : ફ્લૅટ ભાડે આપ્યા તો પાછા લઈ લઈશું

મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (મ્હાડા)ના ઠરાવમાં એના ફ્લૅટ ખરીદનારાઓને પોતાની જગ્યા અન્યોને ભાડે આપવાની છૂટ અપાઈ છે, પરંતુ એ જ મ્હાડાનું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ જુદી વાત કરે છે. એ ડિપાર્ટમેન્ટે દહિસરમાં મ્હાડાની કેટલીક હાઉસિંગ સોસાયટીઓને નોટિસ આપીને ઘર ભાડે આપનારાઓના ફ્લૅટ પાછા લઈ લેવાની ધમકી આપી છે.

૨૦૧૯ના ડિસેમ્બરમાં આપવામાં આવેલી નોટિસની વિગતો મુજબ એસ્ટેટ ડિપાર્ટમેન્ટે શિવ સમર્થ, રવિ કિરણ, ડ્રીમલૅન્ડ, વૃંદાવન, શ્રી સમર્થ અને સ્વપ્નપૂર્તિ સહિત ૨૦ હાઉસિંગ સોસાયટીઓને જે ફ્લૅટમાલિકોએ તેમના ફ્લૅટ ભાડે આપ્યા હોય તેમની યાદી આપવાનું જણાવ્યું છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે રહેવાની જગ્યા ભાડે આપીને સરકારી યોજનાનો દુરુપયોગ થતો હોવાથી એ ફ્લૅટ પાછા લઈ લેવામાં આવશે.

શરૂઆતમાં એ નોટિસને ગંભીર લેખવામાં આવી નહોતી, પરંતુ મ્હાડાના અધિકારીઓએ જગ્યા ભાડે આપનારા સોસાયટીના સભ્યોની યાદીની માગણી સાથે વારંવાર ફોન કરતાં સંબંધિત સભ્યો અને સોસાયટીના હોદ્દેદારોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

સોસાયટીઓના સભ્યોની ફરિયાદ વિશે પત્રકારોના સવાલનો જવાબ આપતાં મ્હાડાના અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ‘એક વ્યક્તિએ સોસાયટીઓના સભ્યો તેમના ફ્લૅટ ભાડે આપતા હોવાની ફરિયાદ વિજિલન્સ ડિપાર્ટમેન્ટને કરી હતી. એથી અમે પોતાના ફ્લૅટ ભાડે આપનારા સભ્યોની યાદી માગી છે, પરંતુ અમારો ઇરાદો તેમના ફ્લૅટ પાછા લેવાનો નથી.’

મ્હાડાના મુંબઈ બોર્ડના ચીફ ઑફિસર બી. રાધાકૃષ્ણન અને વિજિલન્સ ડિપાર્ટમેન્ટના વડા આઇપીએસ ઑફિસર સંજય વર્માએ પત્રકારોના ફોન રિસીવ કર્યા નહોતા અને ટેક્સ્ટ મેસેજિસના પણ જવાબ આપ્યા નહોતા. દરમ્યાન ઉક્ત નોટિસથી ડરી ગયેલા સભ્યોએ સંગઠિત થઈને આ સમસ્યાનો મુકાબલો કરવાના ઉદ્દેશથી ગયા રવિવારે બેઠક યોજી હતી.

dahisar mumbai news mumbai