થાણે પોલીસે 62.81 લાખના નશીલા પદાર્થ સાથે પાંચ જણની ધરપકડ કરી

08 December, 2019 12:26 PM IST  |  Mumbai

થાણે પોલીસે 62.81 લાખના નશીલા પદાર્થ સાથે પાંચ જણની ધરપકડ કરી

ફાઈલ ફોટો

થાણે પોલીસે થાણે, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં નશીલા પદાર્થનો ગેરકાયદે ધંધો કરવાના આરોપસર પાંચ આરોપીની ધરપકડ કરીને આ ટોળકી પાસેથી ૬૨.૮૧ લાખ રૂપિયાના મેફેડ્રીન, એલએસડી પેપર સહિતના નશીલા પદાર્થ જપ્ત કર્યા હતા.

થાણે પોલીસની નશીલા પદાર્થ વિરોધી ટીમને ૨૦૧૯ની ૧૯ નવેમ્બરે થાણેના યેઉર અને નજીકના વિસ્તારમાં બે લોકો શંકાસ્પદ હાલતમાં ફરતા જોવા મળ્યા બાદ આ બન્નેની ધરપકડ કરતાં તેમની પાસેથી સાડાત્રણ લાખની કિંમતના નશીલા પદાર્થ મળી આવ્યા હતા. આ આરોપીઓની પૂછપરછ બાદ તેમના વધુ બે સાગરીત પોલીસને હાથ લાગ્યા હતા.

નશીલા પદાર્થ સાથે થાણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ.

થાણે ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-પાંચની ટીમે આ મામલામાં આગળની તપાસ કરતાં બીજા કેટલાક લોકો પણ નશીલા પદાર્થની મોટા પાયે હેરાફેરી કરતા હોવાનું જણાતાં પોલીસ તેમને શોધી રહી હતી. બીજા આરોપીઓ પણ હાથ લાગ્યા બાદ તેમની પાસેથી કુલ ૬૨,૮૧,૬૪૦ રૂપિયાના નશીલા પદાર્થ મળી આવ્યા હતા.

આ પણ વાંચો : આઇટીઆ‍ઇની પરીક્ષાનાં 90 ટકા સ્ટુડન્ટ્સનાં રિઝલ્ટ ગુમ થઈ ગયા

થાણે પોલીસની નશીલા પદાર્થ વિરોધી સેલના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય પવારની ટીમે કમિશનર વિવેક ફણસળકરના માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરી હતી. પાંચેય આરોપી પાસેથી ૧૦૬૩ એલએસડી પેપર, ૫૮ ગ્રામ મેફેડ્રોન પાઉડર, ૬.૪ ગ્રામ ચરસ સહિતના નશીલા પદાર્થ મળી આવ્યા હતા.

mumbai news thane thane crime