મુંબઈ: રિક્ષાના નંબરનો ફોટો પાડવાની આદત ફાયદાકારક નીવડી

29 June, 2019 02:45 PM IST  |  મુંબઈ

મુંબઈ: રિક્ષાના નંબરનો ફોટો પાડવાની આદત ફાયદાકારક નીવડી

ગુલફામ ખાન

મુંબઈ પોલીસ તરફથી હંમેશાં ટ્રાવેલિંગ કરતી વખતે રિક્ષા અને ટૅક્સીના નંબર નોંધવા સચેત રહેવા માટેની સૂચના આપવામાં આવે છે છતાં બહુ ઓછી મહિલાઓ રિક્ષા, ટૅક્સી કે પ્રાઇવેટ ટૅક્સીમાં બેસતાં પહેલાં રિક્ષાના નંબરની નોંધ લેતી હોય છે. જોકે અંધેરી (ઈસ્ટ)ના ચકાલામાં રહેતી એક સગીર વયની કિશોરી તેનાં માતા-પિતાની સલાહ માનીને કૉલેજ આવતાં-જતાં રિક્ષાના નંબરના મોબાઇલથી ફોટો પાડીને તેનાં માતા-પિતાને વૉટ્સઍપ કરતી હતી એના પરિણામે આ બાલિકાનો વિનયભંગ કરીને દેશમાં ભાગી ગયેલા એક રિક્ષા-ડ્રાઇવરને મરોલ પોલીસ ગુજરાતથી આસાનીથી પકડી શકી હતી. 

અંધેરી (ઈસ્ટ)ના ચકાલાની જુનિયર કૉલેજમાં ભણતી એક ટીનેજર શુક્રવાર ૨૧ જૂને સવારે પોણાસાત વાગ્યે તેના ઘરેથી સાંતાક્રુઝની એક કૉલેજમાં રિક્ષામાં ગઈ હતી. રિક્ષામાંથી ઊતર્યા પછી પૈસા આપતી વખતે રિક્ષા-ડ્રાઇવર ૩૨ વર્ષના ગુલફામ જાહીર ખાને ટીનેજરનો વિનયભંગ કર્યો હતો. ટીનેજરે આ બાબતની તેનાં માતા-પિતાને જાણ કરી હતી એને પગલે ટીનેજરનાં માતા-પિતાએ રિક્ષા-ડ્રાઇવરના વિરોધમાં રિક્ષા-નંબર સાથે મરોલ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

આ બાબતે માહિતી આપતાં ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) અકબર પઠાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિક્ષાના નંબર પરથી અમે પહેલાં ગોવંડી-શિવાજીનગરમાં ડ્રાઇવરને શોધવા ગયા હતા. ત્યાંથી ગુલફામ ખાન બાંદરાના નર્ગિસ દત્ત નગરમાં રહેવા જતો રહ્યો હતો. તપાસ કરતાં ખબર પડી કે ટીનેજરનો વિનયભંગ કર્યા પછી ધરપકડથી બચવા ગુલફામ ખાન ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો. ગઈ કાલે અમને જાણકારી મળી હતી કે ગુલફામ ખાન બહારગામથી ટ્રેનમાં મુંબઈ પાછો ફરી રહ્યો છે. જોકે પોલીસ તેને શોધી રહી છે એ સમાચાર ગુલફામ ખાનને મળતાં તેણે વાપીમાં ઊતરી જવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ અમે અમારી ટીમને પહેલાંથી જ વાપી મોકલી દીધી હતી. જેવો ગુલફામ ખાન ટ્રેનમાંથી ઊતર્યો કે તરત અમે તેની ધરપકડ કરી હતી.’

આ પણ વાંચો : ક્રિકેટનો સટ્ટો લેતા ગુજરાતના બે બુકીઓની જુહુ પોલીસે ધરપકડ કરી

ત્રણ મહિના પહેલાં જ ઘાટકોપરની એક ગુજરાતી મહિલા પણ રિક્ષાના ફોટો પાડવાની અને નંબર નોંધવાની આદતને કારણે તેનું લૅપટૉપ લઈને ભાગી ગયેલા રિક્ષા-ડ્રાઇવરને શોધવામાં સફળ થઈ હતી.

kalina andheri mumbai police sexual crime Crime News