વાકોલા પોલીસે પર્સની રસીદ પરથી બળાત્કારીને ઝડપ્યો

08 January, 2020 04:25 PM IST  |  Mumbai | Shirish Vaktania

વાકોલા પોલીસે પર્સની રસીદ પરથી બળાત્કારીને ઝડપ્યો

પ્રતીકાત્મક તસવીર

વાકોલામાં રહેતી અને ૬ઠ્ઠા ધોરણમાં ભણતી ૧૨ વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર આરોપી નિલકંઠ ચવાણને વાકોલા પોલીસે બાળકીને ભેટ આપેલા પર્સમાંથી મળેલી રસીદના આધારે ઝડપી લીધો હતો.

ઘટના ૨૩ નવેમ્બરે બની હતી. બાળકી સ્કૂલેથી પાછી ફરી રહી હતી ત્યારે આરોપી નીલકંઠ તેની સાથે-સાથે તેના ઘર સુધી ગયો હતો અને તેની સાથે વાત કરી તેને પર્સ ભેટ આપવાની કોશિશ કરી હતી, પણ બાળકીએ એ માટે ના પાડી દીધી હતી. બાળકીની વિધવા માતા લોકોના ઘરે રસોઈ બનાવવાનું કામ કરે છે. એ વખતે તે ઘરે નહોતી એથી બાળકીની એકલતા અને નિ:સહાયતાનો ગેરલાભ લઈ આરોપીએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને નાસી ગયો હતો, પણ ઉતાવળમાં તે બાળકી માટે ભેટમાં લાવેલું પર્સ ત્યાં જ છોડી ગયો હતો જેમાં તેણે પર્સ ખરીદયું હતું એ દુકાનનું બિલ હતું અને એમાં તેનું નામ નીલકંઠ લખેલું હતું, પોલીસે એ રસીદના આધારે આરોપી નીલકંઠની શોધ ચલાવી હતી.

વાકોલા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર નીતિન સાવનેએ કહ્યું હતું કે અમે આરોપી નીલકંઠને શોધી કાઢવા ઇલેક્શન કમિશનની મદદ લીધી હતી. તેમની યાદીમાંથી સાંતાક્રુઝમાં રહેતા નીલકંઠ નામ ધરાવતા લોકોની યાદી તૈયાર કરી તેમને પોલીસ સ્ટેશનમાં મળવા બોલાવ્યા હતા. એ ઉપરાંત ૮૫ જેટલા લોકોને મળી તેમની પાસેથી માહિતી કઢાવવાનો પ્રયાસ કર્યો હતો. એ તપાસમાં ૪૫ વર્ષના વાકોલામાં જ રહેતી એક વ્યક્તિને તેના દીકરા નીલકંઠ વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે તેનો દીકરો નીલકંઠ નવેમ્બર મહિનાના અંતમાં ધંધાર્થે કર્ણાટક ચાલ્યો ગયો છે અને પાછો નથી ફર્યો. તેમણે તેમના દીકરાનો ફોટો પણ આપ્યો હતો. પોલીસે એ ફોટો બાળકીને બતાવતાં બાળકીએ આરોપીને ઓળખી કાઢ્યો હતો. એ પછી પોલીસ કર્ણાટક જઈ તેને પકડી લાવી હતી.

mumbai crime branch Crime News mumbai crime news mumbai news