100 કરતાં વધુને ઠગનારા હૈદરાબાદની ટ્રાવેલિંગ કંપનીના માલિકની ધરપકડ

17 April, 2019 11:18 AM IST  |  મુંબઈ | સંજીવ શિવડેકર

100 કરતાં વધુને ઠગનારા હૈદરાબાદની ટ્રાવેલિંગ કંપનીના માલિકની ધરપકડ

આરિફ સૈયદ

ડિસ્કાઉન્ટ રેટ પર હોલિડે પૅકેજિસને નામે ૧૦૦ કરતાં વધારે મુંબઈગરા સાથે છેતરપિંડી કરનારા હૈદરાબાદની ટ્રાવેલિંગ કંપનીના માલિક આરિફ સૈયદની મલાડ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ધરપકડ કરી હતી. છેતરપિંડીના આ કેસમાં ગયા અઠવાડિયે ચાર જણની ધરપકડ કર્યા પછી એ કૌભાંડના સૂત્રધાર અને એલિટ ગ્રુપ ઑફ લોયલ્ટી સર્વિસના માલિક આરિફ સૈયદની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. આરિફે ગુનો કબૂલ્યો હોવાનું મલાડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગુલઝારીલાલ ફડતરેએ જણાવ્યું હતું.

૨૮ વર્ષના રુચિત ઠોસાણીની ફરિયાદને આધારે પોલીસે આરિફ તથા અન્ય ચાર જણની ધરપકડ કરી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે રુચિતે એક હોલિડે પૅકેજ માટે ક્રેડિટ કાર્ડ દ્વારા ૧.૦૫ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પૅકેજમાં સોનાનો સિક્કો ભેટરૂપે આપવાની પણ ઑફર હોવાથી રુચિતે એ સિક્કો ક્યારે મળશે એની પૂછપરછ શરૂ કરી હતી. પરંતુ કંપનીના પ્રતિનિધિઓએ વારંવાર એમ કહેવાનું ચાલુ રાખ્યું કે ગોલ્ડ કૉઇન માટે એક બૅન્ક સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે અને એ બૅન્ક ટૂંક સમયમાં સિક્કો રવાના કરશે.

આ પણ વાંચો : મુંબઈ: ઝડપી બાઈક ચલાવનાર બાઈકરે મહિલાને અડફેટ લેતાં મલ્ટિપલ ફેક્ચર

રુચિતે સંબંધિત બૅન્કમાં પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે બૅન્ક એ પ્રકારની કોઈ સ્કીમ સાથે સંકળાયેલી નથી. છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં રુચિતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આરિફની કંપની વિરુદ્ધ અન્યોએ પણ ફરિયાદો નોંધાવી હતી. આ કેસમાં વધુ ધરપકડોની શક્યતા મલાડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગુલઝારીલાલ ફડતરેએ દર્શાવી હતી.

mumbai news mumbai police malad Crime News mumbai crime news