ક્રિકેટનો સટ્ટો લેતા ગુજરાતના બે બુકીઓની જુહુ પોલીસે ધરપકડ કરી

29 June, 2019 10:22 AM IST  |  મુંબઈ

ક્રિકેટનો સટ્ટો લેતા ગુજરાતના બે બુકીઓની જુહુ પોલીસે ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

આઇસીસી વર્લ્ડ કપની ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મૅચમાં સટ્ટો લેતા ગુજરાતના બે બુકીઓની જુહુ પોલીસે જુહુની પૉશ સન ઍન્ડ સૅન્ડ હોટેલમાંથી ધરપકડ કરી છે. આરોપી ધર્મરાજ બાબુલભાઈ વાળા અને અંબરીષ બિપિનભાઈ બ્રહ્મભટ્ટની ફૉર્જરી અને ગૅમ્બલિંગ ઍક્ટ હેઠળ ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવામાં આવતાં બન્નેને ૩ જુલાઈ સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બન્ને આરોપી પાસેથી ૨૭ મોબાઇલ, બે લૅપટૉપ, ૧ ટૅબ અને મોબાઇલ માટેનું એક કનેક્ટર મશીન તથા ૪૪,૦૦૦ રૂપિયાની રોકડ સહિત કુલ ૩ લાખ રૂપિયાની માલમતા પોલીસે હસ્તગત કરી હતી. બન્ને બુકીઓની તેઓ કોની સાથે સટ્ટો રમતા હતા એ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે.

જુહુના સિનિયર પીઆઇ પંઢરીનાથ વાહવલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બન્ને આરોપી મહેસાણા જિલ્લાથી મુંબઈ આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં પકડાઈ જવાના ભયને કારણે બન્ને આરોપી જુહુની પૉશ હોટેલ સન ઍન્ડ સૅન્ડ હોટેલમાં બે દિવસ પહેલાં આવ્યા હતા અને વર્લ્ડ કપની મૅચો પર સટ્ટો લેતા હતા. અમારા ખબરી પાસેથી મળેલી માહિતીના આધારે અમે હોટેલ પર દરોડો પાડીને બન્ને બુકીઓની સટ્ટો લેતી વખતે રંગેહાથ ધરપકડ કરી હતી.’

આ પણ વાંચો : મુંબઈ: મેઘરાજા ઘણા મોડા આવ્યા, પણ છવાયા

ગુજરાતથી મુંબઈની હોટેલમાં સટ્ટો લેવા આવેલા બુકીઓને પકડવાની કાર્યવાહી વધારાના કમિશનર ડૉ. મનોજકુમાર શર્મા અને ડીસીપી પરમજિત ધૈયાની આગેવાની હેઠળ સિનિયર પીઆઇ પંઢરીનાથ વાહવલ અને ટીમે પાર પાડી હતી.

mumbai mumbai news juhu mumbai crime news